રાજકોટમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
રાજકોટ સહિત લોધીકા અને ખીરસરામાં વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો છે. સવારથી વાતાવરણ ગોરંભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આસપાસના ગામોમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં.
રાજકોટ શહેરમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ પ્રિ-મોન્સુન પ્લાન અંગે સવાલો ઉભા થયાં છે. થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત પોલીસ કમિશનર કચેરીની પાસે પણ વરસાદ અને ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઇ રહ્યો છે. જેના કારણે રાજકોટવાસીઓ વરસાદની આતૂરતાથી રાહ જાેઇ રહ્યા હતા. શહેરમાં હાલ મેઘસવારી આવી પહોંચી હતી. શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેમાં યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
લોધીકા અને ખીરસરામાં વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. પંથકમાં વરસાદ વરસતા આગોતરા પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
ગઈકાલે જેતપુર પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જાેઇ રહ્યા છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરીએ તો લોધીકામાં ૧ ઇંચ, જસદણમાં ૭ મિમી, ધોરાજીમાં પોણો ઇંચ અને કોટડાસાંગાણીમાં ૦.૫ ઇંચ સહિત જિલ્લામાં કુલ ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
Recent Comments