રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટમાં સરકારી જમીન પર બુલડોઝર ફરી વળ્યું
રાજકોટમાં આજે કોઠારીયા સોલ્વન્ટમાં સરકારી જમીન પર દબાણ થતા જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. આજે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પર કરવામાં આવેલા દબાણો દૂર કરી ૫૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી રૂ.૫૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્રની તપાસમાં ભૂ-માફિયાઓ દ્વારા સરકારી જમીનમાં કારખાના માટે શેડ અને દુકાનો બનાવી વેંચી નાખી હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા કલેકટર તંત્રની તપાસમાં બે ભુ-માફિયાના નામ સામે આવ્યા છે. જેમાં ચંદુભાઈ કોઠીયા અને સુખાભાઈ ટીલાળા સામે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ૧૩ જેટલા ગેરકાયદેસર સેડ ઉભા કરવામાં આવ્યા હતા જેનું આજે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ.૫૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જંત્રી મુજબ આ જમીનની કિંમત રૂ.૧૭ કરોડ કરતા વધુ થાય છે.
વધુમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે,જ્યારે ભૂ-માફિયાઓએ રૂ.૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી વેંચાણ કરી દેતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. હાલ માહિતી એકત્ર કરી ભૂ-માફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. જાેકે જિલ્લા વહીવટી તંત્રએ ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.
Recent Comments