સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી રૂ.૧ લાખની ખંડણી માગી, ત્રણ ઝડપાયા

રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ યુવક પર ચોરીનું આળ મૂકી ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી જામનગર રોડ પર એફસીઆઇના ગોડાઉન નજીક લઇ જઇ ઢોરમાર માર્યો હતો અને રૂ.૧ લાખની ખંડણી માગી હતી, અપહ્યતની પત્નીએ પોલીસને જાણ કરતા ત્રણેયને ઝડપી લેવાયા હતા.ઘંટેશ્વર ૨૫ વારિયામાં રહેતા અને જૂના કપડા વેચવાનો ધંધો કરતા રાહુલ તુલસીભાઇ દતાણી (ઉ.વ.૧૮)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આફતાબ સમા અને ત્રણ અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. રાહુલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે જ્યાં રહે છે તેની નજીકમાં બકુલ સોલંકી રહે છે અને તે પણ જૂના કપડા વેચવાનો વેપાર કરે છે તેમજ પાડોશી ચંદ્રેશ ઉર્ફે મામા ગોસ્વામી રિક્ષા ચાલક છે, રાત્રે રાહુલ સહિતના ત્રણેય લોકો ચંદ્રેશની રિક્ષામાં નવા રેસકોર્સ તરફ જતા હતા ત્યારે રસ્તામાં રોડથી થોડે અંદર એક ઓટો રિક્ષા પડી હતી.

રિક્ષા પાસે કોઇ નહોતું, રિક્ષાનું ટેપ જાેવા ત્રણેય ગયા હતા તે સાથે જ રિક્ષાવાળા સહિત ત્રણ શખ્સો ધસી આવ્યા હતા, રિક્ષામાલિક સહિતના લોકો આવતા રાહુલ સહિતની ત્રિપુટી ચંદ્રેશની રિક્ષામાં ભાગી હતી તે શખ્સોએ પોતાની રિક્ષાથી પીછો શરૂ કર્યો હતો અને રૈયાધાર પાણીના ટાંકા પાસે રાહુલ સહિતનાઓને આંતરી લઇ તમે ચોરી કરવા આવ્યા હતા તેવો આરોપ મુકી ચંદ્રેશની રિક્ષામાં તોડફોડ કરી હતી અને હુમલાખોરોએ પોતાની રિક્ષામાં ત્રણેયને બેસાડી એફસીઆઇના ગોડાઉન પાસે આવેલી ખાણ નજીક લઇ ગયા હતા, ત્યાં ધોકા છરીથી ત્રણેયને મારવાનું શરૂ કર્યું હતું, બકુલ અપંગ હોય તેની સ્ટીલની ઘોડીથી પણ મારમાર્યો હતો.

છુટવું હોય તો રૂ.૧ લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી, બકુલે તેની પત્ની મનીષાને અને રાહુલે તેની પત્ની બેનાને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવાનું કહેતા બંનેની પત્નીઓએ પરિચિતોને મળી પૈસાની વ્યવસ્થા શરૂ કરી હતી, દરમિયાન કોઇ પરિચિતે પોલીસને જાણ કરવાનું કહેતા મનીશાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું અને મનીશા પાસે ફોન કરાવી પોતે પૈસા લઇને આવે છે તેવી જાણ કરાવી હતી. ચંદ્રેશની પત્ની સરોજ અને મનીશા ખાણ પાસે પહોંચ્યા હતા, તેમની પાછળ પોલીસની ટીમ પણ પહોંચી હતી અને પોલીસે અપહરણકાર મોરબીના આફતાબ હાસમ સમા, કાસિમ ઇબ્રાહીમ શાહમદાર અને શાયર દલસુખ મકવાણાને ઝડપી લીધા હતા.

Follow Me:

Related Posts