fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ધો.૧૦ની વિદ્યાર્થીને પેપર ખરાબ જતા સળગી જતાં મોત

રાજકોટના કોઠારિયા રોડ પરના કાળા પથ્થર ક્વાટર્સમાં રહેતી ખુશી કિશોરગીરી ગોસ્વામી (ઉ.વ.૧૫)એ પોતાના ઘરે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઇ મૈયડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતા અરેરાટીભરી ઘટના પ્રકાશમાં આવી હતી. બે બહેન અને એક ભાઇમાં મોટી ખુશી કાંતા વિકાસગૃહ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી અને હાલમાં બોર્ડની પરીક્ષામાં તેનો નંબર કડવીબાઇ સ્કૂલમાં આવ્યો હતો, ગણિતનું પેપર આપીને ઘરે આવ્યા બાદ તે ગુમસુમ થઇ ગઇ હતી,

તેણે તેની માતાને પેપર નબળું જવા અંગે અને નાપાસ થવા અંગેની ચિંતા વ્યક્ત કરી હતી, જાેકે માતા હર્ષાબેને તેને સાંત્વના આપી કોઇપણ પ્રકારની ચિંતા કર્યા વગર અન્ય પેપર આપવા સમજાવી હતી. બપોરના ખુશીએ બાથરૂમમાં જઇ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને કાંડી ચાંપી દીધી હતી, અગ્નિસ્નાન કરીને ખુશી સળગતી હાલતમાં બાથરૂમની બહાર નીકળી હતી અને રૂમમાં સૂતેલા તેના માતા હર્ષાબેનના ખોળામાં જઇને સૂઇ ગઇ હતી. સળગતી હાલતમાં પુત્રી ખુશી ખોળામાં સૂતા જ હર્ષાબેન ચોંકી ગયા હતા અને તેઓ સફાળા જાગી ગયા હતા, પુત્રીની સ્થિતિ જાેઇ તેઓ બૂમાબૂમ કરવા લાગતા પાડોશીઓ દોડી ગયા હતા અને આગ બુઝાવી ખુશી અને હર્ષાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ખુશીનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

વિદ્યાર્થિનીએ ગણિતનું પેપર નબળું જતાં નાપાસ થવાની ચિંતામાં પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ઘટનાને ગંભીરતાથી લઇ એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. વિદ્યાર્થિની ખુશી પેટ્રોલ ક્યાંથી અને ક્યારે લઇ આવી હતી તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. પુત્રીના આપઘાતથી તેના માતા પિતાએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પરીક્ષાને તહેવાર સ્વરૂપે લેવા અને કોઇપણ પ્રકારનો સ્ટ્રેસ નહી લેવા અપીલ કરી છે ત્યારે રાજકોટની ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ ગણિતનું પેપર નબળું જતાં નાપાસ થવાની ચિંતામાં અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. અગનપછેડી ઓઢી વિદ્યાર્થિની દોડીને નિદ્રાધીન હાલતમાં રહેલી તેની માતાના ખોળામાં માથું મૂકી સૂઇ જતાં તેની માતા પણ દાઝી ગઇ હતી. આ ઘટનાએ વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું હતું.

Follow Me:

Related Posts