fbpx
ગુજરાત

રાજકોટમાં નશામાં ચુર કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં યુવાનનું મોત

રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત બેફામ કાર ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ અપી રહ્યા છે. આજે વહેલી સવારે 4:35 વાગ્યે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોકડી ઓવર બ્રિજ પર પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સવારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. બાઇક સવારને 200 મીટર સુધી ઢસડી કાર શીતલ પાર્ક ચોક નજીક ડિવાઈડર સાથે અથડાઈ હતી. રાજકોટમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકો બેફામ બન્યા છે. ગઈકાલે વહેલી સવારે રાજકોટના યાજ્ઞિક રોડ પર સ્વીફ્ટ કાર ઓવર સ્પીડમાં ઓવરટેક કરવા જતાં મર્શિડીઝ કારને ટક્કર મારી હતી. જેમાં સ્વીફ્ટ કારનો ચાલક પણ નશામાં હોવાની શંકા આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી…આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી જેમાં 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોકડી ઓવરબ્રિજ પર નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા તેનું મોત થયું હતું. પોલીસની પ્રથમીક તપાસમાં મૃતક કિરીટભાઈ રસિકભાઈ પૌન્દા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર કારમાં સવાર અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય દારૂના નશામાં ધૂત જોવા મળ્યા હતા જેની પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી છે. DCP સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે,

બન્ને શખ્સો નશાની હાલતમાં હતા જેની પોલીસે અટકાયત કરી છે અને અકસ્માતની કલમો અને માનવ સઅપરાધ વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક કિરીટભાઇ હોવાનું સામે આવ્યું છે અને તેના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.  રામદેવપીર ચોકડી પર સર્જાયેલ અકસ્માતની ઘટનામાં નજરે જોનારે આખી ઘટના વર્ણવી હતી. હાર્દિક માવલા નામના યુવકે જણાવ્યું હતું કે, તેના પરિવારજન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી આજે સવારે તે ચા પીવા માટે ગયો હતો. પરત ફરતી વખતે રોડ પર તેને મૃતદેહ જોયો જેથી તેને 108ને ફોન કર્યો. જોકે આગળ જતાં શીતલ પાર્ક ચોકમાં ડિવાઈડર અને વિજપોલ સાથે અથડાયેલી કાર જોઈ હતી. જેમાંથી બે વ્યક્તિ નીચે ઉતર્યા અને દારૂની બોટલ ઘા કરી. આ સમયગાળા દરમિયાન લોકો એકત્ર થઈ ગયા અને પોલીસને બોલાવી બન્ને શખ્સોને પોલીસને સોંપી દીધા હતા. બન્ને શખ્સો દારૂના નશામાં એટલા હતા કે ઉભા પણ રહી શકતા નહતા.. ભયાનક અકસ્માતમાં સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, રાજકોટમાં કાર ચાલકો બેફામ બન્યા છે. જેને કારણે આ પ્રકારના અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિઓ જીવ ખોઈ બેસે છે. મૃતક કિરીટભાઈ રસિકભાઈ પૌન્દા ગોંડલ રોડ પર આવેલ લોધાવાડ ચોકમાં સેન્ડવીચની લારી રાખી ધંધો કરતા હતા.

આજે સવારે તેઓ મિત્રો સાથે ચા પી ઘરે જવા નિકળા હતા ત્યારે રામદેવપીર ચોકડી ઓવર બ્રિજ પર કારે અડફેટે લેતા તેનું મોત થયું. જોકે કિરીટભાઈ આજે તેની પુત્રીને મુંબઈ મુકવા માટે જવાના હતા તે પહેલાં જ તેનું અકસ્માતે મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે અકસ્માતે કારમાં પણ નુકસાન થયું હતું અને અંદર કારમાં દારૂની સાથે ખાવા માટેનું બાઇટિંગ જોવા મળ્યું હતું. જોકે કારની સ્પીડ વધુ હોવાથી તમામ એરબેગ ખુલી ગઈ હતી અને કાર ચાલકને કોઈ જ ઇજા પહોંચી નહોતી જોકે આ ઘટનાને લઈને ACP રાધિકા ભારાઈએ નિવેદન આપતા કહ્યું હતું કે, કિરીટ પૌંદા નામની વ્યક્તિનું મોત થયું છે. કિરીટભાઈ દુકાન બંધ કરીને ઘરે જતા હતા. અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા. અનંત ગજજર નામનો વ્યક્તિ કાર ચલાવતો હતો. RTO અને FSL ના અધિકારીઓની મદદ લેવામાં આવી છે. કારમાં સવાર બને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. મેડિકલ ટેસ્ટમાં બંને નશામાં હોવાનું જણાશે તો તે અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવશે અકસ્માતની આ ઘટનામાં નિર્દોષ કિરીટભાઈનું મોત નીપજ્યું છે. જોકે દારૂના નશામાં ધૂત બેફામ કાર ચાલકો સામે લગામ લાવવી જરૂરી છે. પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે પરંતુ ઓવર સ્પિડિંગ સામે ક્યારે લગામ લાગે છે તે જોવું રહ્યું.

Follow Me:

Related Posts