ગુજરાત

રાજકોટમાં ફટાકડાં ફોડવા જેવી બાબતમાં હાથાપાઈ થતાં યકિતએ આવેશમાં આવીને મોતને ઘાટ ઉતાર્યો

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી બાબતે સર્વેશ્વર ચોકમાં બલી’સ પંજાબી ઢાબા ધરાવતા અમનદીપસિંગ ઉર્ફે બલી ઉર્ફે બાલીએ બજરંગવાડીના પુનિતનગર વિસ્તારમાં રહેતા કાર્તિક જયંતિભાઇ સરવૈયા ની જાગનાથ પ્લોટ શેરી નં. ૨૦/૨૧ના ખૂણા પાસે આવેલા કાવેરી કોમ્પ્લેક્સ નીચે હત્યા કરી નાખી હતી. જ્યારે તેના ભાઇ અને માસીના પુત્રને પણ ગંભીર ઇજા કરી હતી.  હત્યા બાદ ભાગી ગયેલા અમનદીપસિંગને બીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ એ ડીવીઝન પોલીસને સોંપતા તેના સ્ટાફે વિધિવત ધરપકડ કરી હતી.

મૂળ જમ્મુના અને હાલ જાગનાથ પ્લોટ શેરી નં. ૩માં આવેલા જાગનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અમનદીપસિંગ કુલવંતસિંગ બાલી એ એ ડિવિઝન પોલીસની પૂછતાછમાં એવી કેફિયત આપી હતી કે દિવાળીની રાત્રે તે ફટાકડા ફોડતો હતો. ત્યારે તેની સામે મૃતક યુવાન અને તેના મિત્રો પણ ફટાકડા ફોડતા હતા.  મૃતક યુવાનના જૂથ તરફથી તેની તરફ ફટાકડા ફેંકાતા તેણે પણ સામે ફટાકડા ફેંક્યા હતા. જેને કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો, ગાળાગાળી અને ઝપાઝપી થઇ હતી. જેમાં તેની પગડી પડી ગઇ હતી.

જેને કારણે તેને મનમાં લાગી આવતા મૃતક યુવાન તેના ભાઈ અને માસીના પુત્ર ઉપર પોતાની પાસે રહેલા કીરપાણથી હુમલો કર્યો હતો.  ત્યાર પછી તે ભાગી ગયો હતો.  પછીથી તેને હત્યા થયાની જાણ થઇ હતી. એ ડિવિઝન પોલીસે અમનદીપસિંગને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો. રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરતાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તેની પાસેથી પોલીસે કીરપાણ, તેના બે મોબાઇલ ફોન અને ઇનોવા કાર કબ્જે કરી હતી. ફરિયાદી પક્ષે પોલીસને જણાવ્યું હતું કે આરોપી અમનદીપસિંગે પહેલા તેમને ઇનોવા નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કીરપાણના ઘા ઝીંકી દીધા હતા. 

Related Posts