fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ફેક આઈડી બનાવી ડીપીમાં પ્રધાનમંત્રી મોદી સાથેની તસવીર અપલોડ થતા હજારો ફોલોવાર્સ થયા

સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ નામાંકિત વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતા હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટના ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતા શાહનું ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાની માહિતી ખુદ ડો.શાહે તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે. અને સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટના ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતા શાહના નામનું ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં સાયબર ક્રાઇમ આચારનારે એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચર પર ડો.શાહની પીએમ નરેન્દ્ર મોદી સાથે તસવીરનો ઉપયોગ કર્યો છે.

જેને પગલે હજારો ફોલોઅર આ ફેક આઈ ડીને ફોલો કરી રહ્યા છે. ફેક એકાઉન્ટની જાણ થતા ડો.શાહે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર ફેક એકાઉન્ટ બન્યાની જાણ કરી કોઈએ પણ નાણાકીય વ્યવહાર ન કરવા માટેની વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની હાઈપ્રોફાઈલ બેઠક પર તાજેતરમાં ડો. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી હતી અને તેમની જંગી લીડ ૧,૦૫,૯૭૫ સાથે ભવ્ય જીત થઈ હતી. રાજકોટમાં આજથી ૫ દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખના નામે ‘નાણાકીય મદદ કરો’ તેવા મેસેજ કેમ્પસના જ કેટલાક પ્રોફેસરોને મળતા એક તબક્કે અધ્યાપકો વિટંબણામાં મુકાયા હતા. જાેકે બાદમાં આ મેસેજ ફેક હોવાનું બહાર આવ્યું હતું.

યુનિવર્સિટીને આ બાબત ધ્યાનમાં આવતા તુરંત જ વેબસાઈટ ઉપર સાવચેતી અંગેની સૂચનાઓ મૂકી દેવામાં આવી હતી અને તમામ સ્ટાફને પણ સાવચેત રહેવા જણાવી દેવાયું હતું. અગાઉ યુનિવર્સિટીના કુલપતિના નામે પણ ત્રણ-ત્રણ વખત આ પ્રકારના ફેક મેસેજ ફરતા થયા હતા તેમ છતાં સત્તાધીશોએ પોલીસમાં ફરિયાદ કરવાની તસ્દી લીધી નથી અને માત્ર વેબસાઈટ ઉપર સૂચના મૂકીને જ સંતોષ માની લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર સૂચના મૂકવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, ૯૭૨૫૪૬૯૩૪૪૫૮ નંબરના માધ્યમથી અમિતભાઈ પારેખ, રજિસ્ટ્રાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે મદદ માગતો મેસેજ લાગતા વળગતાને આવ્યો હોય તેવું પ્રકાશમાં આવ્યું છે.

આવા મેસેજથી “ફિશર” દ્વારા ચોક્કસ લિંકના માધ્યમથી કે પછી અન્ય રીતે પાસવર્ડ કે બીજી અંગત માહિતી પડાવી લેવાના પ્રયત્નો કરવામાં આવતા હોય, આવા મેસેજથી સાવચેત રહેવું અને કોઈ પણ પ્રકારની માહિતી કે નાણાકીય આપ-લે કરવી નહિ.ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનેક ખ્યાતનામ લોકોના એકાઉન્ટ આ જ મોડ્‌સ ઓપરેન્ડીથી હેક થઈ ચુક્યા છે. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, રાજકોટ મનપાના વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર મનીષ રાડિયા, વોર્ડ નં.૭ ના કોર્પોરેટર નેહલ શુક્લ, કરણીસેના અધ્યક્ષ જે.પી.જાડેજા અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ અને જિલ્લા પંચાયતના કોંગી સભ્ય અર્જુન ખાટરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણી અને એચઓડી ડો. યોગેશ જાેગસણનું પણ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી હેકર દ્વારા રૂપિયા માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે નેતા અને અધિકારીઓને બાદ કરતાં સામાન્ય જનતાના નામે પણ આ પ્રકારના ફેક એકાઉન્ટ બન્યા હોવાની અનેક ઘટના બની ચુકી છે.

Follow Me:

Related Posts