રાજકોટમાં બંધ મકાનમાંથી તસ્કરો ૪.૫૧ લાખની મત્તા ચોરી ફરાર
રાજકોટના કાલાવડ રોડ પરના રૂડાનગર-૩માં બંધ મકાન તસ્કરોની નજરે ચડી ગયું હતું, મકાનમાં ઘૂસી બે શખ્સ રોકડા રૂ.૫૯ હજાર અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૪,૫૧,૬૫૦નો મુદ્દામાલ ઉસેડી ગયા હતા. રૂડાનગર-૩માં રહેતા પેઇન્ટર પ્રવીણભાઇ મેરૂભાઇ ભટ્ટી (ઉ.વ.૫૧)એ તેમના મકાનમાં ચોરી થયા અંગેની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના બહેન જ્યોત્સનાબેન સોમનાથ વેરાવળ રહે છે અને તે બીમાર હોવાથી તેમના ખબર અંતર પૂછવા માટે ઘરને તાળું મારી આખો પરિવાર ટ્રેનમાં વેરાવળ ગયો હતો, અને રાત્રે સોમનાથમાં બહેનના ઘરે જ રોકાઇ ગયા હતા.
પાડોશી પ્રેમભાઇ વિઠ્ઠલાણીએ પ્રવીણભાઇને ફોન કરીને તેમના મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હોવાનું અને મુખ્ય દરવાજાે ખુલ્લો હોય અને સામાન વેરવિખેર હોય ચોરી થયાની જાણ કરી હતી. ચોરીની ઘટનાની જાણ થતાં જ ભટ્ટી પરિવાર ઘરે આવતા જ દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને કબાટની તમામ સામગ્રી વેરવિખેર હતી, ભટ્ટી પરિવારે કબાટમાં નજર કરતાં જ સોનાનું મંગલસૂત્ર, સોનાનો સેટ, સોનાની કાનની સર, સોનાની ૩ વીંટી, સોનાનો ચેઇન, સોનાના ૧૨ દાણા, સોનાની બૂટી, સોનાની ચાર ગીની, ચાંદીના દાગીના અને રોકડા રૂ.૫૯ હજાર મળી કુલ રૂ.૪,૫૧,૬૫૦ની માલમતાની ચોરી થઇ હતી. ચોરીના બનાવ અંગે જાણ કરાતા યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ભટ્ટી પરિવારના બંધ મકાનમાં બે શખ્સ ઘુસ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી. ભટ્ટી પરિવાર બહારગામ ગયો અને થોડી જ ચોરી થતાં અન્ય રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.
Recent Comments