રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૨૦ કેસ નોધાયા, ૧નું મોત
રાજકોટમાં આજે બપોર સુધીમાં ૨૦ નવા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧ દર્દીનું મોત નીપજ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૩૫૫૧ પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં ૩૭૭ દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે ૮૧ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને જેથી દૈનિક કેસનો કુલ આંક ૧૦૦ની નીચે આવી રહ્યો છે. મંગળવારે પણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને સહિત નવા કુલ કેસ ૯૧ જ આવ્યા છે. શહેરી વિસ્તારમાં ૬૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ કેસ આવ્યા છે. શહેરમાં કેસની સંખ્યામાં વધ-ઘટ થઈ રહી છે. જ્યારે ગ્રામ્યમાં ૨૦થી ૩૦ની વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. હાલની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા ૧૯૭૯૩ થઈ છે અને સપ્તાહ પૂરું થતા પહેલા ૨૦૦૦૦ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
બીજી તરફ કેસની સંખ્યા ઘટવાની સામે ડિસ્ચાર્જ રેશિયો વધી રહ્યો છે. હાલ રાજકોટ શહેરના ૩૭૭ અને ગ્રામ્ય વિસ્તારના ૨૨૨ સહિત કુલ ૫૯૯ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં હાલ ૪૩ એકટિવ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે. તેમાં આનંદ પાર્ક મોરબી રોડ, સ્વાતિ પાર્ક કોઠારીયા રોડ, મેઘમાયાનગર નાના મૌવા રોડ, ખોડીયાર સોસાયટી સહકાર મેઈન રોડનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ૯૬ ઝોન છે જેમાં ગોંડલ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણાના અમુક વિસ્તારો ઉમેરાયા છે.
Recent Comments