રાજકોટમાં છેલ્લા એક મહિનામાં યુવાન વયે રમતાં રમતાં ત્રણ યુવાન હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા છે. આજે વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. ડીસાથી ભાણેજના લગ્નપ્રસંગમાં બહેનના ઘરે આવેલો ભાઈ ભરત બારૈયા આજે ક્રિકેટ રમી બહેનના ઘરે પરત જતો હતો. ત્યારે બહેનના ઘરે પહોંચે એ પહેલાં જ રસ્તામાં ભરતને હાર્ટએટેક આવી ગયો હતો અને મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પતિના મોતથી પત્નીએ આક્રંદ કર્યું હતું અને એટલું જ બોલી શકી કે, મારે ધણી વગર નથી જીવવું. ડીસા રહેતા ભરત બારૈયા (ઉં.વ.૪૦) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો.
બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ ૧૦૮ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં ૧૦૮ મારફત ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ભરત બારૈયાના ભાણેજનું આજે રિસેપ્શન હતું. પરંતુ મામાની અણધારી વિદાયથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. બનાવની જાણ થતાં જ ભરતની પત્ની, ભરતનાં સાસુ સહિતનાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં હતાં. હોસ્પિટલમાં ભરતના મૃતદેહને ગળે વળગાડીને મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું હતું. આથી હોસ્પિટલમાં પણ ગમગીની છવાઇ ગઈ હતી.
ભરતની પત્નીએ તો મારે મારા ધણી વગર નથી જીવવું કહી કલ્પાંત કર્યો હતો. સ્ટ્રેચર પર પડેલા ભરતના મૃતદેહને ભેટીને સાસુએ આક્રંદ કર્યું હતું. સાસુએ પોતાના મોઢાથી ભરતને કૃત્રિમ ઓક્સિજન આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પણ આક્રંદ સાથે કહી રહ્યાં હતાં કે, ઊઠી જા. પરિવારજનોને ભરતનું મોત થયું છે તેનો વિશ્વાસ જ આવતો નહોતો. પરંતુ ભારે હૈયે પરિવારજનો પણ અંતે ભરત આ દુનિયામાં નથી રહ્યો એવો સ્વીકાર કરવો પડ્યો હતો. બાદમાં પોલીસે ભરતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક ભરતના પિતરાઇ જયેશભાઈએ જણાવ્યું હતું કે, મને મારા ભાઈનો ફોન આવ્યો હતો કે, ભરતને કંઈક ચક્કર આવે છે એટલે તું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ. ભરત વહેલી સવારે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો.
ક્રિકેટ રમીને ઘરે જ્યારે રોડ પર ચાલતાં ચાલતાં આવતો હતો ત્યારે અચાનક ચક્કર આવ્યાં ને તે ઢળી પડ્યો. તેની સાથે પાંચ મિત્રો હતા તેણે રિક્ષા ઊભી રાખવાની કોશિશ કરી, પરંતુ કોઈએ રિક્ષા ઊભી રાખી નહીં. આથી ૧૦૮ બોલાવી તો ટીમ દોડી આવી, પરંતુ ૧૦૮ના ઇએમટીએ ભરતને મૃત જાહેર કરી દીધો હતો, બાદમાં સિવિલ લઈ જવામાં આવ્યો હતો. ભરતભાઈ રાજકોટ લગ્નપ્રસંગ માટે આવ્યા હતા અને તેઓ ડીસાના રહેવાસી છે. અહીં મારી બહેનના ભાણેજના લગ્નપ્રસંગમાં આવ્યા હતા. ભરતભાઈના પરિવારમાંથી હાલ તેના મોટા પપ્પાના દીકરાઓ અહીં હાજર છે.
તેમના પત્ની અને તેનાં સાસુ પણ છે. ભરતભાઈને કોઈ પણ પ્રકારની બીમારી હતી નહીં. તેમજ તેમને સંતાનમાં કંઈ નથી. રાજકોટમાં હૃદયરોગથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે. ગત જાન્યુઆરી માસથી લઈને આજસુધીમાં અનુક્રમે નાની બાળકીથી માંડીને શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં પ્રોફેસર સુધીની વય ધરાવતા લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. નોંધનીય છે કે ૧૬ દિવસ પહેલાં તો ૨૪ કલાકમાં બે યુવકો રમતાં રમતાં મોતને ભેટી પડ્યા હતા. જેમાં ક્રિકેટરને બોલ વાગતાં હાર્ટ ફેઇલ થઈ ગયું હતું. જ્યારે અન્ય બનાવમાં ફૂટબોલમાં ગોલ પૂરો કરે એ પહેલાં વિદ્યાર્થીનું હાર્ટ-એટેકમાં મોત થયું હતું.
Recent Comments