fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નિપજતા ચકચાર મચી,બીજા બનાવમાં મિત્રના જન્મદિવસની પાર્ટીમાં જતાં મિત્રને કાળ ભરખી ગયો

રાજકોટમાં ગત ગોઝારી રાત્રે બે ગમખ્વાર અકસ્માત થયા હતા. પ્રથમ બનાવમાં બેડી ચોકડીએ બે ટ્રક સામ સામે અથડાતાં ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. બીજા બનાવમાં મિત્રનાં જન્મદિવસની પાર્ટીમાં જતા જામનગર રોડ પર પહોંચતા બિલાડીને તારવવા જતા કાર પલ્ટી મારી ખાડામાં ઉતરી ગઇ હતી. જેમાં એન્જિનિયર યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે ગાડીમાં બેસેલા અન્ય યુવાનને સામાન્ય ઇજા થઈ હતી.

પ્રથમ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોકડી પાસે રાત્રિના સવા બે વાગ્યા આસપાસ બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા હતા. જેમાં દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામના ટ્રક ચાલક રત્નાભાઇ સવજીભાઇ રાઠોડને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્ય થયું હતું. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે રત્નાભાઇના ભાઇ દેવરાજભાઇ સવજીભાઇ રાઠોડની ફરિયાદ પરથી ટ્રક નં. જીજે-૪-એડબલ્યુ-૨૬૧૦ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર સવજીભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરે હતા અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેના મૃત્યુથી ત્રણ પુત્રી અને એક પુત્ર મળી ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.


અન્ય બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના એરપોર્ટ રોડ ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા આદર્શ દર્શનભાઇ ઓઝા નામનો યુવાન તેના મિત્રો સાથે કારમાં રાત્રિના સમયે જામનગર રોડ પર આવેલી ન્યારી પેલેસ હોટેલ પર મિત્રની બર્થ ડે પાર્ટીમાં જતા હતા. ત્યારે જામનગર રોડ રાધે કાઠીયાવાડી હોટેલ પાસે કાર અચાનક પલ્ટી ખાય જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર આદર્શ અને તેના મિત્ર હાર્દિકને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા.


તેના મિત્રની અન્ય કારમાં બંનેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા આદર્શને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી પડધરી પોલીસને જાણ કરી હતી. બનાવની માહિતી મળતા પરિવારજનો તુરંત જ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. પુત્રનો મૃતદેહ જાેઇ આઘાતમાં સરી પડયા હતા.

Follow Me:

Related Posts