રાજકોટમાં મુખ્યમંત્રી દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાયો
રાજકોટ શહેરમાં બહુમાળી ભવન ચોક ખાતેથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. જે બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ટુંકા સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે સામાજિક-ધાર્મિક પ્રસંગો તો હરખભેર ઉજવાઈ જ છે પરંતુ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને યાદગાર બનાવી દેવામાં આવી છે. શાળાના બાળકોથી માંડીને ધાર્મિક-સામાજિક સહિતના આગેવાનોએ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્ર ભાવનાનો પરિચય આપ્યો છે. ભારતમાં સ્વતંત્રતાના ૭૫મા વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
દુનિયાભરમાં ભારતના નામની ગુંજ છે. આર્થિકથી માંડીને ઔદ્યોગિક સહિતનાં તમામ મોરચે દેશ પ્રગતિ સાધી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચા અમૃતકાળનો પરિચય કરાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ યાત્રાની સાથે જ આગળ ધપ્યા હતા. જાે કે રેસકોર્સ, જિલ્લા પંચાયત ચોક સુધી પગપાળા ચાલ્યા બાદ કારમાં સવાર થઇ ગયા હતા અને સીધા જ તિરંગા યાત્રાના સમાપન સ્થળ એવા રાષ્ટ્રીય શાળાએ પહોંચ્યા હતા.જાે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રાની સાથે જ પગપાળા ચાલ્યા હતા. તિરંગા યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને સર્વત્ર ભારત માતા કી જયના નારાની ગુંજ ઉઠી હતી.
ટ્રાફીક વ્યવસ્થાથી માંડીને અન્ય કોઇ તકલીફ ન સર્જાય તે માટે અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોએ પણ સાથે મળીને અભૂતપૂર્વ રાષ્ટ્રીય ભાવનાના દર્શન કરાવ્યા હતાં. આ યાત્રા પૂર્ણ થયા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને મેયર ડો. પ્રદિપ ડવ રાષ્ટ્રીય શાળા ખાતે યાત્રા પૂર્ણ કરી રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીના ફોટાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પી હતી હાલ તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે.
આ યાત્રામાં પોલીસ તથા ફાયરબ્રિગેડનાં બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતનાં વિવિધ મંડળો જાેડાયાં હતાં. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરેએ જાેડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્યો હતો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ ભાજપ-અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈ હતી. જ્યાં બે કિલોમીટર લાંબી તિરંગાયાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશપ્રેમના નારા ગુજતાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. નોધનીય છે કે સીએમ પટેલ અને સી.આર.પાટીલ માત્ર બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી યાત્રામાં જાેડાયા અને કિસાનપરા તરફ વળી ગયા હતા જયારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પગપાળા યાત્રામાં જાેડાયા હતા.
Recent Comments