fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં મેઘાણી એવોર્ડ લોકકવી જે.પી. ડેરને થયો અર્પણ

અમરેલી જિલ્લાના મૂળ વરસડા ગામના વતની પરંતુ પોતાની કર્મભૂમિ રાજુલાને બનાવીને અને ત્યાં જ શિક્ષક તરીકે સેવા આપનાર લોક કવિ શ્રી જે.પી.ડેરને મેઘાણી જન્મભૂમિ બગસરાની સંસ્થા શિવા ગ્રુપ દ્વારા રાજકોટમાં મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.    વિગત મુજબ બગસરા એટલે ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિનું સ્થળ અને તેની 126મી જન્મ જયંતી નિમિત્તે બગસરાની સંસ્થા સેવા ગ્રુપ ચાલુ વર્ષે  મેઘાણી એવોર્ડ લોકકવિ જે. પી. ડેર ને અર્પણ કરવાનો નિર્ણય થયો. શીવા ગ્રુપ દ્વારા દર વર્ષે મેઘાણીના જીવન કવનને જીવંત રાખનાર અને લોકસાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનાર મહાનુભાવને આ એવોર્ડથી નવાજવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 22 વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યું છે.

23 મું સન્માન રાજકોટના દિન દયાળ ઓડિટોરિયમ ખાતે બગસરા શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં તા 28-8-22 ને રવિવારે શિવાગ્રુપ દ્વારા શ્રી જે.પી. ડેરને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. લોક કવિ જેપી ડેરના કુલ 10 પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યાં છે.તેઓ તળપદી અને સૌરાષ્ટ્રની લોકબોલીમાં ઉત્તમ પ્રકારના કાવ્ય, વાર્તા,પ્રસંગલેખોનું સર્જન તો કરે છે પરંતુ એવા જ અષાઢી કંઠના ગાયક પણ છે. અત્રે યાદ આપીએ કે તેમના પુત્ર શ્રી અમરીશ ડેર રાજુલાના ધારાસભ્ય છે. આ કાર્યક્રમમાં શિવા ગ્રુપના પ્રમુખશ્રી નિતેશ ડોડીયાએ આ એવોર્ડ અર્પણ કરતાં પોતાની જાતને ગૌરવાન્વિત મહેસૂસ કરી બગસરા શરાફી મંડળીના પ્રમુખ શ્રી રશ્વિનભાઈ ડોડીયાએ પણ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરીને શ્રેષ્ઠ લોકોનું સુચારું સન્માન કરવું તે પણ સમાજની જવાબદારી છે તેમ જણાવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર વકીલ શ્રી કાંતિભાઈ સોરઠીયા, શિક્ષણવિદ શ્રી તખુભાઈ સાંડસુર, લોકસાહિત્યકાર શ્રી જોરુભાઈ ધાખડા વગેરે ઉપસ્થિત હતાં.

Follow Me:

Related Posts