સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વધુ લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલઃ પ્લોટ બોગસ દસ્તાવેજ બનાવી પડાવી લેવાયો

રાજકોટ રોજ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થઇ રહ્યો છે. ગઇકાલે જ બોગસ દસ્તાવેજના આધારે ૩૫ લાખનો પ્લોટ પડાવી લેવાના કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ ગુના હેઠળ ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. જેમાં અમદાવાદ રહેતા બેંક અધિકારીનો ૭૦ લાખનો પ્લોટ બોગસ દસ્તાવેજ બનાવી વકીલની મહિલા આસિસ્ટન્ટે પચાવી પાડ્યો હતો. આ અંગે લેન્ડ ગ્રેબિંગનો ગુનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
અમદાવાદ રહેતા અને બેંકના ગુજરાત હેડ વિશાલભાઇનો રાજકોટમાં રૈયા રેવન્યૂ સર્વે નંબરમાં પ્લોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો. ઓ. હાઉસિંગ સોસાયટીમાં આવેલો છે. ૭૦ લાખની કિંમતના પ્લોટનો બોગસ દસ્તાવેજ કુલમુખત્યારનામું ઉભું કરી વકીલની મહિલા આસિસ્ટન્સ પ્રજ્ઞા રાવલે પચાવી પાડ્યો હતો. પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી મુખ્ય સુત્રધાર પ્રજ્ઞા રાવલ સહિત બે શખ્સની અટકાયત કરી છે. કોવિડ ટેસ્ટ બાદ બંનેની ધરપકડ થશે. અન્ય શખ્સોની શોધખોળ થઇ રહી છે. જમીન કૌભાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે મહિલાનું નામ સામે આવતાં ચકચાર જાગી છે.

આ બનાવમાં પોલીસે અમદાવાદ બોડકદેવ સ્નેહ સૃષ્ટી એપાર્ટમેન્ટ ૨૦૨, સમભાવ પ્રેસ લેન ખાતે રહેતાં અને અમદાવાદના સી.જી. રોડ પર આવેલી એચએસબીસી બેંકના ગુજરાત હેડ તરીકે નોકરી કરતાં વિશાલભાઇ અતુલભાઇ કોઠારી નામના યુવાનની ફરિયાદ પરથી મવડી રોડ ઉદયનગર ૧/૧૬ સમોજાદ વિદ્યાલય રોડ પર રહેતી અને વકિલના આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી પ્રજ્ઞાબેન આશિષ રાવલ, કસ્તુરબાધામ ત્રંબાના અરજણ નાથાભાઇ માટીયા, સુખરામનગર રોડ રાંદલ ચોકના અશોક મસાભાઇ માટીયા, ઠેબચડાના ખોડા રાઘવભાઇ બાંભવા તથા તપાસમાં ખુલે તેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩, ૪ (૩), ૫ (ક), (ખ), (ગ), (ચ) તથા આઇપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધ્યો છે.

Related Posts