મોરબી રોડ પરના ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં અને રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં સ્નેહલબેન બ્રિજેશભાઈ પોપટ ને મોરબી રોડ પર જ પુરપાટવેગે માતેલા સાંઢની જેમ નીકળેલા ટ્રક ચાલકે કચડી નાખતા પરિવારજનો ઉપરાંત સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સ્નેહલબેન આજે બપોરે પોતાનું એકટીવા લઈ સ્કૂલેથી ઘરે જવા રવાના થયા હતા.
મોરબી રોડ રેલ્વે બ્રિજ તથા જૂના જકાતનાકા વચ્ચે પેટ્રોલ પંપ આવે છે. જયાંથી પોતાના એકટીવામાં પેટ્રોલ પુરાવી રોડ પર આવ્યા તે સાથે જ પુરપાટ વેગે નીકળેલા ટ્રકે હડફેટે લેતાં ટ્રકના વ્હીલ નીચે કચડાઈ જવાથી સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જાણ થતાં સ્કૂલનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. બી-ડિવીઝનના જમાદાર એચ.એમ. કોઠીવાળ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અકસ્માત સર્જયા બાદ ચાલક ટ્રક રેઢો મૂકી ભાગી ગયો હતો. બી-ડિવીઝન પોલીસે સ્નેહલબેનના સંબંધી રાજેશભાઈ કાંતિલાલ પોપટ ની ફરિયાદ પરથી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર સ્નેહલબેનના લગ્ન વીસેક વર્ષ પહેલાં થયા હતા. સંતાનમાં એક પુત્ર છે. પતિ ઈમિટેશનનું કામ કરતો હોવાની માહિતી પોલીસને મળી છે. બી-ડિવીઝન પોલીસે હવે ટ્રક ચાલકને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.



















Recent Comments