fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં સારવારનો વધુ ચાર્જ ખંખેરનાર હોસ્પિટલને રિફંડ આપવા હુકમ

કોરોનાની સારવારના ચાર્જ મુદ્દે મહાનગરપાલિકાએ ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમ છતાં અનેક હોસ્પિટલે કોરોનાગ્રસ્ત લોકો પાસેથી મસમોટી રકમ ખંખેરી સરેઆમ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું. આવા જ એક કેસમાં વીમાકંપનીએ તેમના પોલિસીધારક પાસેથી રાજકોટની ખાનગી હોસ્પિટલે કોરોનાની સારવારનો વધુ ચાર્જ ખંખેર્યાની રાજકોટ કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે કન્ઝયુમર કોર્ટે વધુ નાણાં ખંખેરનાર હોસ્પિટલને રૂ.૧ લાખ પરત કરવા હુકમ કર્યો છે. રાજકોટમાં રહેતા પીયૂષભાઇ રજનીકાંતભાઇ ગાંધી અને તેના પત્નીએ ધી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી કોરોનાની પોલિસી લીધી હતી. જે પોલિસીના સમયગાળામાં ૨૦૨૦માં બંને કોરોનાગ્રસ્ત થતા સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

સારવાર બાદ ક્લેમ મેળવવા પીયૂષભાઇએ તેમની અને તેના પત્નીની સારવારના બિલો વીમાકંપનીમાં રજૂ કર્યા હતા. ત્યારે વીમાકંપની દ્વારા તપાસ કરવામાં આવતા વોકહાર્ટ હોસ્પિટલ દ્વારા મહાનગરપાલિકાએ નિર્ધારિત કરેલા ચાર્જ કરતા વધુ રકમ વસૂલી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વીમાકંપનીએ મનપાએ નિર્ધારિત કરેલા ચાર્જ મુજબનો ક્લેમ પાસ કર્યો હતો. અને બાકીની વધારાની રકમ વોકહાર્ટ હોસ્પિટલ પાસેથી વસૂલવા અંગે પોલિસીધારક પીયૂષભાઇને જાણ કરી હતી.

જેને પગલે પીયૂષભાઇ ગાંધીએ કન્ઝયુમર કોર્ટમાં વીમાકંપની અને હોસ્પિટલ સામે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરાવી હતી. જે નોટિસ બજી જતા વીમાકંપનીના એડવોકેટ નરેશભાઇ એમ.સીનરોજા કોર્ટમાં હાજર થયા હતા. અને રજૂઆતમાં જણાવ્યું કે, વીમાકંપનીએ મનપા દ્વારા ચાર્જ અંગેની જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબની જ ગણતરી કરીને ક્લેમ ચૂકવવામાં આવ્યો છે. વીમાકંપનીની રજૂઆત સાંભળ્યા બાદ કન્ઝયુમર કોર્ટે વોકહાર્ટ હોસ્પિટલે દંપતી પાસેથી મેળવેલી કુલ રૂ.૧,૦૯,૩૮૩ની વધુ રકમ પરત કરવા હુકમ કર્યો છે.

Follow Me:

Related Posts