સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં હરિહર ચોકમાં દારૂ પી શખ્સે કાર અટકાવીને ગાળો ભાંડી, વીડિયો થયો વાઇરલ

રાજકોટમાં દારૂબંધી જ ન હોય તેવા દૃશ્યો છેલ્લા એક અઠવાડિયાથી સામે આવી રહ્યા છે. ગઈકાલે શહેરના હરિહર ચોકમાં એક શખ્સે ચિક્કાર દારૂ પી કાર અટકાવી હતી. બાદમાં કારના બોનેટ પર મુક્કો માર્યો હતો અને કારચાલકને ગાળો ભાંડી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જાેવા મળ્યા મુજબ એક શખ્સ નશાની હાલતમાં લથડિયા ખાતો અચાનક ચાલુ કાર આગળ આવી જાય છે. આથી ચાલક કારને બ્રેક મારી થોભાવી દે છે. બાદમાં આ શખ્સ કારના બોનેટ પર મુક્કો મારે છે અને કાર ચાલકને ગાળો ભાંડે છે.

બાદમાં એક વ્યક્તિ તેને કાર આગળથી હટાવી એકબાજુ લઈ જાય છે. દારૂબંધી માત્ર કાગળ પર હોય તે વાત જગજાહેર છે, શહેરમાં છૂટથી દારૂનું વેચાણ થાય છે, પ્યાસીઓ બિન્દાસ્ત થઇને દારૂની છોળો ઉડાવે છે, અને કેટલાક લોકો દારૂના નશામાં છાકટા બનીને નિર્દોષ લોકોને હેરાન કરે છે, છતાં શહેરના પોલીસ અધિકારીઓ સબ સલામત હોવાના અને દારૂબંધીનું કડક પાલન થતા હોવાના બણગા ફૂંકે છે, ગઈકાલે રવિવારે ફરી વધુ એક વીડિયો ફરતો થયો હતો. જેમાં શહેરના હરિહર ચોકમાં એક શખ્સ દારૂના નશામાં છાકટો બન્યો હતો અને હરિહર ચોક રોડ પર આવી ત્યાંથી પસાર થતાં વાહનોને અટકાવતો હતો. આ શખ્સે એક કારને ઊભી રખાવી કારના બોનેટ પર મુક્કો માર્યો હતા, એટલું જ નહીં પોલીસને ગાળો ભાંડતો હતો, આટલું બધું થયું પરંતુ આ શખ્સને ટપારવાની કોઇ હિંમત કરી શક્યું નહોતું, નશાખોર બેફામ બન્યો હતો તેનાથી માત્ર ૧૦૦ મીટરની દૂરી પર પોલીસ ચોકી આવેલી છે.

પરંતુ પોલીસને જાણ પણ થઇ નહોતી, વીડિયો ફરતો થતાં નિદ્રામાંથી જાગેલી પોલીસ હવે એ નશાખોરને શોધવા નીકળી હતી. રાજકોટમાં એક મોટો બુટલેગર પકડાયો તેનું નામ હતું હાર્દિક ઉર્ફે કવિ. આ કવિએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ તેણે પોલીસ કસ્ટડીમાં જ પોલીસની માફી માગતો વીડિયો પણ બનાવ્યો હતો. આમ, બુટલેગરો સામે પગલાં નથી લેવાતા અને તેઓ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે, ત્યારબાદ તે જ દારૂ પીને લુખ્ખાઓ નિર્દોષ લોકોને રંજાડે છે. એસટી બસના ડ્રાઈવરની દારૂ ભરેલી બેગ શહેરના પોષ વિસ્તાર એવા યાજ્ઞિક રોડ પર પડી અને લોકોએ પોલીસને જ જાણ કરવાની જગ્યાએ બેગમાંથી દારૂ લેવા પડાપડી કરી હતી. એ ઘટનાના ૨૪ કલાક બાદ ચાર વીડિયો વાઇરલ થયા હતા.

એમાં શહેરના વેલનાથ પરા વિસ્તારમાં ચૂંટણી પરિણામને જ દિવસે મનપાના શૌચાલયમાં દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વાઇરલ થયેલો વીડિયોમાં મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા વિસ્તારમાં પ્રકાશ સોલંકી ઉર્ફે બાડો નામના શખ્સ દ્વારા દેશી દારૂનો વેપલો ચલાવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી દારૂડિયાઓ શેરીમાં જ્યાં ત્યાં સૂઈ જાય છે.

ત્યાનાં રહેવાસીઓ આવાં તત્વોથી ત્રાસી ગયા છે. કોઈને પણ પૂછો તો કહે, દારૂ પ્રકાશ સોલંકીને ત્યાં મળી જશે, પરંતુ પોલીસ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી, એવું પણ જણાવવામાં આવ્યું છે. વધુ એક વાઇરલ વીડિયોમાં એક જાગ્રત નાગરિક દ્વારા વેલનાથપરા વિસ્તારના શૌચાલયની બહાર નીકળતા લોકોની પૂછપરછ કરવામાં આવે છે. આ લોકો દેશી દારૂની ખરીદી કરીને જતા હોય એવું સ્વીકારે છે અને તેઓ ચૂંટણી પરિણામના દિવસે જ ખરીદી કરવા આવ્યા હોવાનું કહે છે. આ વીડિયોમાં નાગરિક દ્વારા બી ડિવિઝન પોલીસ બૂટલેગરોનો સાથ આપતા હોય અને જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક રાજકીય નેતાઓએ પણ મુલાકાત લઈ દારૂનું વેચાણ બંધ કરવાની બાંયેધરી આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ આવ્યું ન હોવાનો આક્ષેપ પણ લગાડવામાં આવી રહ્યો હતો.

Related Posts