રાજકોટમાં ૧૨૫ વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી હજુ પણ છે કાર્યરત
માતાજીની આરાધનાનો મહાપર્વ એટલે નવરાત્રિ.. અંતિમ અને નવમું નોરતું છે ત્યારે વધતા જતા અર્વાચીન રાસોત્સવ આયોજન વચ્ચે સૌરાષ્ટ્રમાં હજુ પણ પરંપરાગત પ્રાચીન ગરબીઓના આયોજન કરવામાં આવી રહ્યા છે. ૧૨૫ વર્ષ જૂની રાજકોટની રાજાશાહી વખતની ગરુડની પ્રખ્યાત ગરબી આજે પણ થઇ રહી છે. રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં અંબા માતાજીનો ગઢ છે. પહેલા ગઢપર સિપાહીઓ રાજકોટની રખેવાળી કરવા બેસતા, ત્યાં માઁ અંબાની સ્થાપ્ના કરવામાં આવેલી ત્યારથી જ આ ગરબી રમાડવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે માં અંબા ગઢમાથી ગરબી રમવા નીચે આવે છે જેથી વર્ષ ૧૯૪૭માં આઝાદી કાળમાં સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું એક ગરૂડ બનાવી આપેલું જે ત્યારથી લઈ આજ સુધી યથાવત છે. ગરૂડની સવારી કરીને જે બાળક નીચે ઉતરે છે, તે બાળક આખુ વર્ષ બીમાર નથી પડતું.
આ તમામ આયોજન ‘જય અંબે’ ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. ગરૂડ ગરબીમાં ગરબીની ૩૭ બાળાઓ સૌપ્રથમ સ્વાગતમાં માં-અંબા જાેગણી સ્વરૂપ ગરૂડમાંથી ઉતરે છે અને રાસગરબાની શરૂઆત કરે છે. આ ગરબીનાં હુડો રાસ, નડિયાદી ફુદેડી રાસ, ત્રિશૂલ રાસ, મશાલ રાસ, સ્ટેચ્યુ રાસ, ઘુમટા રાસ, સિંધી રાસ ખુબ પ્રચલિત છે. રાજકોટની પ્રાચીન અને પ્રખ્યાત એવી ગરુડની ગરબી ખાતે આસ્થાથી દર્શન કરવાં માટે દર વર્ષે હજારો લોકો ઉમટી પડતાં હોય છે. જયારે ગરબીમાં રમતી ૩૭ બાળાઓ સાક્ષાત નારી શક્તિના દર્શન લોકોને કરાવે છે.
Recent Comments