સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૩ શખસે મહિલાને દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી, જાહેરમાં છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો

રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ આગળ વધતો જાેવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી બાઇકમાં આવેલા શખસે મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો, જેમાં મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી ૩૭ વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત ૩ શખસે છરી વડે હુમલો કરતાં મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પોલીસની પૂછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં આરોપી અજિતસિંહ ચાવડા સામે તાલુકા પોલીસમાં મથકમાં પોતાના પર દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી, પરંતુ તાલુકા પોલીસે અનેક વખત ધક્કા ખવડાવ્યા હતા અને ફરિયાદ નહિ લેતાં અંતે મહિલાએ કોર્ટમાં અજિતસિંહ ચાવડા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ બળાત્કારની ફરિયાદમાં કોર્ટે પોલીસ-તપાસનો હુકમ કરતાં તાલુકા પોલીસે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશને નિવેદન આપી જવા કહ્યું હતું. જ્યારે બીજી બાજુ આરોપીને પણ કોર્ટમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થયાની જાણ કરી દીધી હતી. એને પગલે સાંજે આરોપી અજિતસિંહ ચાવડા અને તેના સાથે બે શખસ મહિલાના ઘરે પહોંચ્યા હતા અને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના રિક્ષાચાલક પતિને ધમકી આપી હતી. આ સાથે ફરિયાદ પાછી ખેંચી લો, એના બદલામાં પૈસા આપી દઈશું, એવી લાલચ પણ આપી હતી, પરંતુ રિક્ષાચાલક પતિએ ફરિયાદ પાછી ખેંચી લેવાની ના પાડી હતી. ઘર પાસે ચોકમાં આ માથાકૂટ ચાલી રહી હતી ત્યારે રિક્ષાચાલક યુવાનની પત્ની પણ ઘરની બહાર નીકળી ડખામાં વચ્ચે પડી હતી.

મહિલાને જાેઇને આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને જાહેરમાં ફડાકા ઝીકી દીધા બાદ નેફામાંથી છરી કાઢી મહિલાને બે ઘા ઝીકી દઇ હુમલાખોરો નાસી ગયા હતા. રાજકોટમાં ૮ મહિના પૂર્વે આવી જ ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટના રૈયા રોડ પર જુની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગરમાં રહેતાં જાણીતા એડવોકેટ તુષાર ગોકાણીના નાના ભાઇ, પિતા,પત્ની, પિતરાઈ અને એક પડોશી પર મહિલા એએસઆઈના પતિ સહિતની ટોળકીએ ઘાતકી હુમલો કર્યો હતો. કાળા કલરની સ્કોરર્પિયોમાં આવી છરી, બેઝબોલના ધોકાથી હુમલો કરી આતંક મચાવ્યો હતો. તેમજ એડવોકેટના નાના ભાઈની સામે તમંચો તાંકી મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં પોલીસે રાત્રીના સમયે જ મુખ્યણ આરોપી સહિત ૪ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મહિલા એએસઆઈના પુત્રને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા તેણે ધમાલ મચાવાઇ હતી.

Related Posts