રાજકોટ કમિશનકાંડમાં ગૃહવિભાગની ઢીલીનીતિથી લોકોમાં રોષ
રાજ્યભરના લોકોની નજર જેના પર છે તે પોલીસ કમિશનરના કમિશનકાંડમાં ગૃહવિભાગની ઢીલીનીતિ પણ લોકોની ચર્ચાનો મુદ્દો બન્યો છે. પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચ સામે તોડબાજીના આક્ષેપ થયા બાદ તેનો ભોગ બનેલા લોકોમાં જાણે હિમ્મત આવી હતી અને લોકો બહાર આવવા લાગ્યા હતા, અનેક લોકોએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી કહીને તે અંગેની અરજી જેતે પોલીસ સ્ટેશન અને કમિશનર કચેરીમાં કરી હતી, પ્લાયવૂડના વેપારી નિકુંજ જાેગીએ ક્રાઇમ બ્રાંચે કેવી રીતે ટોર્ચર કરી ચેક લખાવ્યા તે અંગેનો કિસ્સો જાહેર કર્યો હતો, દીપક રાઠોડે નવાગામમાં આવેલી તેની જમીન ક્રાઇમ બ્રાંચે ખાલી કરાવી તેવો આક્ષેપ કર્યો હતો. હત્યાના આરોપી પાસેથી ૯૫ લાખનો તોડ કર્યો હતો રવુભા ધાધલ નામના યુવકે પણ પોતે ક્રાઇમ બ્રાંચની જાેહુકમીનો ભોગ બન્યાની અને નવાગામની તેની જમીન પચાવી પડાયાનો આરોપ મુક્યો હતો.
જામનગરના યુવકને ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લઇ ઢોલરાની જમીન મામલે ચાલતા વિવાદમાં બળજબરીથી લખાણ કરાવી લીધું હતું, ક્રાઇમ બ્રાંચે વ્યાજખોરનો હવાલો લઇને પ્રૌઢને ઉઠાવી જઇ બળજબરીથી બે ચેક લખાવી લીધા હતા, જામનગરના સ્કૂલ સંચાલકને ધમકાવી તેની પાસેથી પણ ચેક લખાવી લીધા હતા, આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચે હત્યાના આરોપી પાસેથી રૂ.૯૫ લાખનો તોડ કરી તેને હત્યા કેસમાં મદદ કરી હોવાનો પર્દાફાશ થયો હતો, આ તમામ મામલે હજુ સુધી પોલીસ કમિશનર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકીય આગેવાનોએ પણ ચોક્કસ પ્રકરણમાં આક્ષેપ કર્યા બાદ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચનો ભોગ બનેલા અન્ય લોકોને ન્યાય અપાવવા માટે કોઇ પહેલ કરી નથી, કમિશનર અને ક્રાઇમ બ્રાંચ સામે ગંભીર આક્ષેપ છે છતાં પંદર પંદર દિવસ સુધી કમિશનર સામે કોઇ કાર્યવાહી થઇ નથી, એડિશનલ ડી.જી.વિકાસ સહાયના રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે તેવી વાતો આગળ ધરવામાં આવી રહી છે તો ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને અન્ય સ્ટાફ સામે આક્ષેપો થયા છે છતાં તેને મહત્ત્વની જગ્યા પર જાળવી રાખીને પોલીસ કમિશનર કોઇપણ ભોગે પોતાના અંગત લોકોને બચાવવા દૃઢ નિશ્ચયી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ સાખરા સામે ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે લેટરબોમ્બ ફોડીને કમિશનબાજી અને રૂ.૭૫ લાખના તોડનો ભાંડાફોડ કર્યો હતો, ગૃહવિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને પંદર દિવસ વીતી ગયા છતાં કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી જ્યારે રાજકોટના જ ભૂમાફિયા ભૂપત બાબુતરને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે તેમાં કોઇ નક્કર કારણો નથી તેવું ગૃહવિભાગે શોધી કાઢ્યું હતું અને ૧૦ જ દિવસમાં ભૂપત જેલમાંથી બહાર આવી ગયો હતો.
Recent Comments