fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ-કોટડાસાંગણી હાઇ-વે પર બે કાર વચ્ચે અકસ્માતઃ એકનું મોત

રાજકોટ-કોટડાસાંગાણી હાઇવે પર ગતરાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા એક કારના કૂરચેકૂરચા નીકળી ગયા હતા. જેમાં કોટડાસાંગાણીમાં રહેતા ખોજા પરિવારના મોભીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાય ગયો છે. ખોડા પરિવાર રાજકોટથી લગ્નની ખરીદી કરી પોતાના ગામ કોટડાસાંગાણી કારમાં જઇ રહ્યો હતો. ત્યારે સામેથી રોંગસાઈડમાં આવતી કાર ધડાકાભેર અથડાઇ હતી. જેમાં મદતઅલી કરમાલીઅલી જેઠાણી (ઉં.વ.૫૮)નું મોત નીપજ્યું હતું. જ્યારે તેના આફ્રિકાથી આવેલા બે પુત્રોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોટડાસાંગાણીના બેંક ઓફ બરોડાવાળી શેરીમાં ‘અમીધારા’ મકાનમાં રહેતા મદતઅલી કરમાલી અલી જેઠાણી (ખોજા) (ઉ.વ.૫૮) અને આફ્રિકાના કિનસાસા સિટીમાં રહેતા તેમના બંને પુત્રો મોહસીન અદતઅલી જેઠાણી (ઉં.વ.૨૬) અને મોટો પુત્ર અલનવાઝ મદતઅલી (ઉં.વ.૨૮) એમ ત્રણેય પોતાની જીજે ૦૩ એલબી ૭૦૪૭ નંબરની ક્રેટા કાર લઇ રાજકોટથી કોટડાસાંગાણી પોતાના ઘરે પરત ફરતાં હતા. જેમાં મોહસીન કાર ચલાવતો હતો અને તેની બાજુમાં તેમના પિતા મદતઅલી બેઠા હતાં અને અલનવાઝ પાછળની સીટ ઉપર બેઠો હતો.

ત્યારે કાર લોઠડા ગામ નજીક ખોડિયાર ઇલેક્ટ્રોનિક દુકાન સામે પહોંચતા સામેથી કાળ બનીને રોંગ સાઇડમાં આવી રહેલી હોન્ડા સિટી કાર નં. જીજે ૦૩ સીઆર ૩૩૦૨નાં ચાલકે ધડાકાભેર કાર અથડાવતાં કારમાં સવાર મદતઅલી અને તેમના બંને પુત્રોને ગંભીર ઇજા પહોંચતા તુરંત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં ત્રણેયની સારવાર શરૂ કરવામાં આવતાં મદતઅલીને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યુ હતું. જ્યારે અલનવાઝને માથામાં ઇજા થતાં તેઓને સારવાર આપવામાં આવી છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ એમ.ડી.પરમાર સહિતનાં સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતને પગલે થયેલા ટ્રાફિકને ક્લિયર કર્યો હતો.

Follow Me:

Related Posts