દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના કેસ વધી રહ્યાં છે. પરંતુ રાજકોટ એવુ શહેર બન્યું છે, જ્યાં સમગ્ર દેશમાં મ્યુકોરમાઈકોસિસના કેસ સૌથી વધુ છે. અહી સૌરાષ્ટ્રભરમાંથી આવતા કેસોનો ભરાવો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસના ૨૫૦ નવા દર્દીઓ દાખલ થયા છે. આરોગ્ય વિભાગ માટે આ આંકડો ચિંતાજનક છે. તો બીજી તરફ કેન્દ્રની ટીમમાં પણ આ આંકડાથી ફફડાટ ફેલાયો છે.
સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધીને ૨૫૦ સુધી પહોંચી છે તો બીજી તરફ ૪ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ગંભીર બીમારીના દર્દીઓ વધતા રાજકોટ સિવિલ હોસ્પિટલને દરરોજ ૧૨૦૦ ઈન્જેક્શનની જરૂરિયાત પડી રહી છે. પરંતુ તેની સામે જીએમએસસીએલ દ્વારા માત્ર ૧૦૦૦ જ ઇન્જેક્શન જ ફાળવવામાં આવ્યા છે. ઓપરેશન બાદ ૨૧ દિવસ સારવાર ચાલતી હોવાથી એક પણ દર્દી હજી સુધી ડિસ્ચાર્જ થયા નથી. તેથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે.
આ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લાની કોરોનાની સારવાર કરતા દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટ શહેર જિલ્લાની ૩૨ હોસ્પિટલોમાં કોરોનાની મા-કાર્ડથી સારવાર મળશે. પ્રતિ દિવસ ૫ હજાર અને મહત્તમ ૫૦ હજાર સુધીનો સારવાર ખર્ચ આપવામાં આવશે. સારવાર આપતા પહેલા પીએમજેએવાયના સોફ્ટવેરમાં લાભાર્થીની નોંધણી અને ઓનલાઈન દવાની મંજૂરી આપવાની રહેશે. જાે હોસ્પિટલો દાદ ન આપે તો મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓને ફરિયાદ કરવા સત્તાધીશોની લોકોને અનુરોધ કરાઈ છે. જુલાઈ-૨૦૨૧ સુધીમાં દાખલ થનાર દર્દીઓ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
Recent Comments