fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિવિલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીને ઓક્સિજન ન મળતા મોત

રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ કોરોનાં સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરની કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી સિવિલ મલ્ટી સ્પેશિયાલીટી હૉસ્પિટલના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. અહીં વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઓક્સિજન ન મળવાના કારણે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત પણ થયું છે. સમગ્ર બનાવના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

સરકારી બાબુઓ અને ખુદ સરકાર કોરોના સામે ગંભીર પ્રકારે લડત આપી રહી હોવાની વાત કહી રહી છે. ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ એક સપ્તાહ પહેલા રાજકોટ આવ્યા હતા. રાજકોટ સર્કિટ હાઉસ તેમજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેઓએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ તેમને પ્રેસ મીડિયાને પણ સંબોધન કર્યું હતું. પ્રેસ મીડિયાને સંબોધિત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં પણ ઑક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યા છે, ઇન્જેક્શનનો જથ્થો, દવાનો જથ્થો, ઓક્સિજન બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યાની વાત તેઓએ કરી હતી.

આમ છતાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. દર્દીઓને એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ શુક્રવારના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ લાઈન તૂટી હોવાનું વીડિયો પણ સામે આવ્યો હતો. તંત્ર દ્વારા ઓક્સિજનની પાઈપ લાઈન તૂટતા ત્યાં કપડું વીંટીને કામ ચલાવવામાં આવ્યું હતું. જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બીજી તરફ શહેરની સિવિલમાંથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળતાં હોવાને કારણે તેમની દર્દનાક પરિસ્થિતિ દર્શાવતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ હજુ સુધી એક પણ ધારાસભ્ય, સાંસદસભ્ય કે સરકારી સરકારી બાબુનું નિવેદન સામે નથી આવ્યું.

સરકારી બાબુઓ અને સરકાર ભલે પોતાની કામગીરીના બણગા ફૂંકી રહ્યા હોય પરંતુ રાજકોટમાં પરિસ્થિતિ ખૂબ વણસી છે. તંત્ર કોઈ પણ કાળે પરિસ્થિતિ પર કાબૂ મેળવે તે પ્રકારની કોઈ શક્યતા દેખાઈ નથી રહી. રાજકોટ શહેરમાં કેટલાક આરોગ્ય કેન્દ્રમાં તેમજ રાજકોટ જિલ્લાના કેટલાક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગ કીટ ખૂટી ગઇ હોવાનું પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ રાજકોટ ખાતે આવ્યા હતા. રાજકોટ મીડિયાએ તેમને જ્યારે હોસ્પિટલ અને સ્મશાનમાં વેઇટિંગ બાબતે પ્રશ્ન કર્યો ત્યારે તેમને કહ્યું કે, મને આ બાબતે કોઈ ખ્યાલ નથી. રાજકીય પક્ષોનો ઉદભવ લોકોની સેવા માટે લોકોને સુખાકારી આપવા માટે થતો હોય છે. બીજી તરફ દેશની સૌથી મોટી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરફથી આ પ્રકારે બેજવાબદાર ભર્યુ નિવેદન આપવામાં આવ્યું છે. લોકો હવે તંત્ર કે સરકારના સહારે નથી પરંતુ ભગવાન ભરોસે હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts