રાષ્ટ્રીય

રાજસ્થાનમાં 8 લોકોના સામૂહિક આપઘાતથી હડકંપ, સીકર અને જયપુરમાં બન્યા બનાવ

રાજસ્થાનના બે મોટા શહેર સીકર અને જયપુરમાં શનિવારે (11મી ઑક્ટોબર) સામૂહિક આપઘાતના ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે. સીકરમાં એક પરિવારના પાંચ સભ્યો અને જયપુરમાં ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લેતા રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે.અહેવાલો અનુસાર, જયપુરના કરણી વિહાર વિસ્તારમાં શનિવારે સવારે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં પિતા, માતા અને પુત્રનો સમાવેશ થાય છે. પોલીસને ઘટનાસ્થળેથી અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં એક પરિચિત વ્યક્તિ પર માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

સવારે 8 વાગ્યા સુધી ફ્લેટનો દરવાજો ન ખુલતા ફ્લેટનામાલિક રામગોપાલ શર્માને શંકા ગઈ કારણ કે પરિવારના મોભી રૂપેન્દ્ર શર્મા, દરરોજ સવારે 5 વાગ્યે ઉઠતા હતા. જ્યારે તેમને કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેમણે પરિવારના સભ્યો અને પોલીસને જાણ કરી.પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. ત્રણેય મૃતદેહો અલગ અલગ જગ્યાએ પડેલા મળી આવ્યા હતા. પુત્ર પુલકિત શર્મા (32)નો મૃતદેહ ઘરના મુખ્ય દરવાજા પાસે મળી આવ્યો હતો. પિતા રૂપેન્દ્ર શર્મા (63)નો મૃતદેહ હોલમાં અને માતા સુશીલા શર્મા (58)નો મૃતદેહ રૂમમાં મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે ત્રણેયે ઝેરી પદાર્થ ખાઈને આપઘાત કર્યો હતો. જોકે, ઘટનાસ્થળેથી અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

પોલીસ અધિકારી હવા સિંહે જણાવ્યું હતું કે, ‘રૂમમાં એક ટેબલ પર અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં એક પરિચિત વ્યક્તિ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુસાઈડ નોટના આધારે પરિવારે સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.’સીકરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેર પીને આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. મૃતકોમાં માતા કિરણ દેવી અને તેના ચાર બાળકો-ત્રણ પુત્રો સુમિત, આયુષ, અવનીશ અને પુત્રી સ્નેહાનો સમાવેશ થાય છે. તે બધાએ તેમના ફ્લેટમાં ઝેરી પદાર્થ પીધો હતો. ઘટનાસ્થળેથી ઝેર પદાર્થના પેકેટ મળી આવ્યા હતા.

અહેવાલો અનુસાર, મૃતક કિરણ દેવી તેના પતિ સાથેના વિવાદને કારણે પાલવાસ રોડ પર અનિરુદ્ધ રેસિડેન્સીમાં તેના બાળકો સાથે રહેતી હતી. પાંચ લોકોના આપઘાતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી રહી છે. આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકોએ થોડા દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. મૃતદેહો ખૂબ જ સડી ગયા હતા. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં બિલ્ડિંગના અન્ય રહેવાસીઓએ પોલીસને જાણ કરી. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે અંદર પ્રવેશવું પણ મુશ્કેલ હતું. ગંધ છુપાવવા માટે ધૂપ અને પરફ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસ ટીમ અંદર પ્રવેશી શકી.

Related Posts