રાજુલાના કથીવદરના ૭ અગરીયાઓની ૫૦ એકર જમીનનો પટ્ટો રીન્યુ કરાયો
આજે અમરેલી કલેક્ટર કચેરી ખાતે ઓપન હાઉસમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કથીવદર ગામના ૭ અગરીયાઓને મીઠાના ઉત્પાદન માટે ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ જમીનના પટ્ટા રીન્યુ કરી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના હસ્તે તેના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવી ૩૦ વર્ષ માટે મળેલી જમીનનો સારી રીતે ઉપયોગ કરી આર્થિક રીતે સારું ઉપાર્જન મેળવી વધુ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી. હુકમોનું વિતરણ કર્યા બાદ કલેક્ટરશ્રીએ અગરીયાઓ સાથે સહાનુભૂતિપૂર્વક વાર્તાલાપ કરી તેઓને પડતી મુશ્કેલીઓ વિષે તાગ મેળવ્યો હતો.
નોંધનીય છે કે રાજ્ય સરકાર તરફથી મીઠા ઉત્પાદન કરતાં નાના અગરીયાઓની કુલ ૫૬ એકર જમીનના પટ્ટા રીન્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાના અગરીયાઓને પટ્ટો રીન્યુ કરવામાં હાડમારીનો સામનો ન કરવો પડે અને મીઠા ઉત્પાદન થકી રોજગારી મેળવી શકે તેવા હેતુથી મીઠા ઉત્પાદન માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી અંગેના પટ્ટાની મુદત ૧૦ વર્ષથી વધારી ૩૦ વર્ષની કરવામાં આવી છે. જે મુજબ કથીવદરના અગરીયાઓની કુલ ૫૦ એકર જમીનનો પટ્ટો વધુ ૩૦ વર્ષ માટે રીન્યુ કરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અધિક કલેક્ટરશ્રી તેમજ સંલગ્ન શાખાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments