અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૭ મે, ૨૦૨૪ના રોજ મંગળવારના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. પ્રત્યેક નાગરિક તેના મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે રાષ્ટ્રના ચૂંટણી પંચ દુર્ગમ વિસ્તારોમાં અનેક પડકારોની વચ્ચે પણ મતદાન પ્રક્રિયાની તૈયારીઓ સાથે સજ્જ અને કટિબધ્ધ છે. અમરેલી જિલ્લામાં જાફરબાદ તાલુકામાં દરિયાની વચ્ચે આવેલો શિયાળ બેટ ટાપુ એ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે. દરિયાથી ચોમેર ઘેરાયેલા ટાપુ પર વસતા મતદારો મતાધિકારથી વંચિત ન રહે તેથી અમરેલી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દરિયામાં હોડી મારફતે ઈ.વી.એમ. મશીન અને મતદાન સામગ્રીઓ પહોંચાડવામાં આવે છે અને શિયાળ બેટમાં મતદાન પ્રક્રિયાઓને અનુસરવામાં આવે છે.
રાજુલા મુકામે આવેલા ઇ.વી.એમ. ડિસ્પેન્ચીંગ કેન્દ્ર ખાતેથી શિયાળબેટ ખાતે યોજનાર મતદાન પ્રક્રિયા માટે બસ મારફતે જેટી સુધી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીના આ સફળ આયોજનના પગલે મારફતે મતદાન પ્રક્રિયા માટે ઈ.વી.એમ. યુનિટ અને મતદાન સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.
મંગળવારે તા.૦૭મે, ૨૦૨૪ના રોજ શિયાળબેટ પર મતદાન પ્રક્રિયા યોજાશે. શિયાળબેટ પહોંચવા માટે દરિયાઈ માર્ગ એકમાત્ર વિકલ્પ છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ માટે શિયાળબેટ પહોંચવા ચૂંટણી તંત્ર દ્વારા બે બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સાથે સુરક્ષાકર્મીઓ પણ મતદાન પ્રક્રિયામાં જોડાશે.
શિયાળ બેટમાં મતદાન પ્રક્રિયા માટે ૦૫ ટીમ ફરજ બજાવશે. શિયાળબેટ ખાતે નવી પ્રાથમિક શાળા ખાતે ૫,૦૪૮ મતદારો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. તા. ૦૫-૦૧-૨૪ની સ્થિતિએ શિયાળ બેટમાં ૨,૫૮૨ પુરુષ અને ૨,૪૬૬ મહિલા, ૧૪ પી.ડબલ્યુ.ડી.- દિવ્યાંગો સહિત ૫,૦૪૮ મતદારો છે. ૮૦+ની વય ધરાવતા ૫૪ મતદારો છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની આ મતદાન પ્રક્રિયા માટે ૨૦ પોલીંગ સ્ટાફ, ૦૫ બી.એલ.ઓ.શ્રી, પ્રિસાઇડીંગ અધિકારીશ્રી, ઝોનલ અધિકારીશ્રી અને સુરક્ષાકર્મીઓ મળી ૪૦ જેટલા ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી અને કર્મચારીઓ બોટ મારફતે અરબ સાગર ખેડી અને લોકશાહીના પર્વને મતદારો સુધી લઈ જવા માટે પહોંચી ચૂક્યા છે.
Recent Comments