રાજુલા શહેરમાં કોવિડ ટેસ્ટ માટે લેબોરેટરી ફાળવવા અંબરીશ ડેરની મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆત
ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે કેટલીક આરોગ્યલક્ષી સુવિધા વધારવા માટે મુખ્યમંત્રી સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરાઈ છે. જેમાં અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા-જાફરાબાદ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા શહેરમાં કોવિડ ટેસ્ટ માટે લેબોરેટરી ફાળવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરી છે.
ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પત્રમાં જણાવ્યા પ્રમાણે કોવિડ 19 અને ઓમિક્રોન નામની મહામારીએ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે. જ્યારે કેસોમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે, ત્યારે રાજ્યની સ્થિતિ અતિ વિકટ અને ગંભીર બને તે પહેલા તેમના વિસ્તારના ક્ષેત્રના રાજુલા શહેરની જનરલ હોસ્પિટલમાં કોરોના-ઓમિક્રોન બંનેના ટેસ્ટ માટેની લેબોરેટરી શરૂ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. કારણ કે તેમના મતે આ વિસ્તાર દરીયાઈ પટ્ટી ઉપર આવેલો મોટો વિસ્તાર છે અને અહીં નાના-મોટા ઔધૌગિક એકમો પણ આવેલા છે. જેમાં અન્ય રાજ્યના લોકો પણ કામ કરતા હોવાથી કોવિડ ટેસ્ટ માટેની લેબ ન હોવાને કારણે ખૂબ જ હેરાનગતિ થાય છે. જેથી કોરોનાની ત્રીજી લહેર પહેલા આવનારા મહાસંકટને પહોંચી વળવા રાજુલા શહેરમાં એક લેબ ફાળવવા તેમણે ભલામણ કરી હતી.
Recent Comments