રાજ્યપાલે આ બિલને આપી મંજૂરી, હવે પેપર લીક કરનારને આકરી સજા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભરતી પરીક્ષામાં પેપર લીકને રોકવા માટે વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે તે કાયદો બની ગયો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. જેને રાજ્યપાલ દેવવ્રતે મંજૂરી આપી દીધી છે. આ કાયદાના અમલ સાથે પરીક્ષા પેપર લીકમાં સામેલ લોકોને ૧૦ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આ કાયદો ભરતી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરનાર અથવા અનધિકૃત રીતે પ્રશ્નપત્ર ખરીદનારા અને ગેરકાયદેસર રીતે પેપર ઉકેલનારાઓને સજા કરવા માટે બનાવવામાં આવ્યો છે. કાયદામાં એવી જાેગવાઈ છે કે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઉમેદવારને ઓછામાં ઓછી ત્રણ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાની સજા થઈ શકે છે. ઉપરાંત, જાે કોઈ નિરીક્ષણ ટીમના કોઈપણ સભ્ય અથવા પરીક્ષા સત્તાધિકારીને ડરાવે ધમકાવે છે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયાની સજા થઈ શકે છે. જાે કોઈ પરીક્ષાર્થી કે વ્યક્તિ ગેરવાજબી વ્યવહારમાં સંડોવાયેલ અથવા કાયદાની કોઈપણ જાેગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાઈ આવે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, જે ૧૦ વર્ષ સુધીની હોઈ શકે છે.
આ ઉપરાંત આવા આરોપીઓને ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. કાયદા મુજબ, જાે કોઈ વ્યક્તિ સંગઠિત અપરાધમાં પરીક્ષા સત્તાધિકારી સાથે કાવતરું કરે છે અને અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરે છે, તો તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે જે ૧૦ વર્ષ સુધીની હોઈ શકે છે અને એક કરોડ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. આ સાથે સંગઠિત અપરાધમાં સંડોવાયેલા દોષિતોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.
Recent Comments