રાજ્યમાં સંસાધનો, બજેટ , સામાજિક ,રાજકીય ક્ષેત્રે જેની જેટલી વસ્તી તેની એટલી ભાગીદારી સુનિશ્ચિત કરવા જાતી આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. – અમિત ચાવડા
ગાંધીનગર ખાતે આયોજિત પ્રેસ વાર્તામા સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આખા દેશમાં વર્ષોથી પીડિત, શોષિત, વંચિત સમાજને કઈ રીતે મુખ્ય પ્રવાહમાં લાવવો, એને વિકાસમાં સમાનતા, એનો અધિકાર મળે. જયારે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવી, તમામ વસ્તી ગણતરીના જે પણ ડેટા જોઈએ તેમાં પણ જાતિ આધારિત ડેટા મળી રહે છે.
દેશમાં જે સંશાધનો છે, બજેટ છે, સામાજિક, આર્થિક, રાજકીય અને તમામની ભાગીદારી છે. જેની જેટલી વસ્તી તે મુજબ તેની ભાગીદારી હોવી જોઈએ એટલા માટે જ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી વર્ષોથી માંગ ઉઠતી આવી છે. અને તેને ધ્યાનમાં રાખીને દેશમાં જયારે કોંગ્રેસના નેતૃત્વમાં યુ.પી.એ સરકાર દેશમાં શાસન કરતી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો. બહુમતી સમાજની લાંબા સમયથી માંગણી છે કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને એટલા જ માટે ૨૦૧૧ માં સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ SECC-૨૦૧૧ કરવામાં આવ્યો. એ મુજબ આખા દેશમાં દરેક ગામમાં દરેક ઘરમાં સામાજિક, આર્થિક પરિસ્થિતિનો સર્વે કરવામાં આવ્યો તેની સાથે આર્થિક અને સામાજિક ડેટા પણ મેળવવામાં આવ્યો, સરકાર દ્વારા રીપોર્ટ સબમીટ કરવામાં આવ્યો.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બદલાઈ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ ની સરકાર બની. ૨૦૧૧ ની વસ્તી ગણતરીનો ડેટા સરકાર પાસે હોવા છતાં, વારંવાર માંગણીઓ કરવા છતાં રીપોર્ટ જાહેર કરવામાં આવતો નથી. એની સામે ૨૦૧૫ માં આજ ડેટા પૈકીનો ધાર્મિક વસ્તી ગણતરીનો ડેટા હતો એને મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો. એનાથી રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ આર્થિક, સામાજિક અને રાજકીય હિસ્સેદારી માટે જે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી એ વસ્તી ગણતરીનો ડેટા જાહેર કરવાની માંગણી કરવામાં આવી તેની સદંતર અનદેખી મોદી સરકાર દ્વારા કરવામાં આવી. જો આ સર્વે જાહેર કરવામાં આવ્યો હોત તો દેશના સંશાધનો, દેશનું બજેટ, જમીન, ઉદ્યોગ, વેપાર, નોકરીઓ મૂડી, વિકાસ એ બધામાં કોની કેટલી હિસ્સેદારી છે, કોને કેટલો લાભ મળ્યો અને કોણ વંચિત રહ્યું છે એ આખો દેશ અને દુનિયા જાણી શકી હોત.
જાણીજોઈને આ ૨૦૧૧ ની વસ્તી ગણતરીનો ડેટા મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં ન આવ્યો. સમાજમાં એક વર્ગ એવો છે કે જેને પૈસા ક્યાં મુકવા એની ચિંતા છે, અને બીજી બાજુ એક વર્ગ એવો છે કે જેને રોજ સવારે ઉઠીને પોતાના બાળકો માટે દુધની એક થેલી ખરીદવી હોય કે ઘર માટે શાકભાજી ખરીદવી હોય એ પૈસા ક્યાંથી લાવશે એની ચિંતા છે. ત્યારે આ જે અસમાનતા ને દુર કરવા માટે જાતિ આધારિત ડેટા ખુબ જરૂરી છે. આજે એ સ્થિતિ છે કે એક બાજુ જેની બહુમતી છે, વસ્તી વધારે છે તેને પુરતું બજેટ ફાળવામાં આવતું નથી, તેને પુરતી નોકરીઓ મળતી નથી, એને સંસાધનોમાં પુરતો ભાગ નથી મળતો, એને જે હિસ્સેદારી મળવી જોઈએ તે મળતી નથી અને સ્થિતિ એવી છે કે “એકને ગોળ અને બીજાને ખોળ” એ સ્થિતિમાં આ સમાજ જે વંચિત છે, પીડિત છે, શોષિત છે કે જે સતત માંગણી કરતા આવ્યા છે કે અમને ન્યાય, અધિકાર મળવો જોઈએ.
દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે અનામત બાબતોના પ્રશ્નો ઉદભવ્યા તેના કારણે સુપ્રીમ કોર્ટ સુધી આ લડતો ચાલી અને ૨૦૧૦ અને ૨૦૨૧ માં સુપ્રીમ કોર્ટે આદેશો પણ આપ્યા એ મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારે આખા રાજ્યમાં ઓ.બી.સી.ની કેટલી વસ્તી યુનિટ દીઠ છે તેની વસ્તી ગણતરી કરવામાં આવે અને એ મુજબ એને રાજકીય પ્રતિનિધિત્વ મળે તે માટે અનામતની જોગવાઈ કરવામાં આવી. પણ કમનસીબે ગુજરાતમાં ભાજપની સરકાર વર્ષોથી જે આ સમાજો માટે અન્યાય અને ભેદભાવ કરતી આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ ગુજરાતમાં ઓબીસી માટેની વસ્તી ગણતરી કરવાની કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. ત્યાર પછી છેલ્લે ૨૦૨૧ ચુકાદો આવ્યો અને એના માટે ઝવેરી કમીશન બનાવવામાં આવ્યું. ઝવેરી કમિશને પણ આખા ગુજરાતનો અભ્યાસ કર્યો અને તેનો ડેટા મેળવી અને સરકારને જે રીપોર્ટ કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજ એના યુનિટ દીઠ વસ્તીના આધારે અનામત મળવી જોઈએ. પણ આ સરકાર બહુમતીના જોરે ઝવેરી કમિશનના રીપોર્ટને પણ ઘોળીને પી ગઈ. સુપ્રીમ કોર્ટના આદેશોની પણ સદંતર અવગણના કરવામાં આવી. ફક્ત ને ફક્ત રાજકીય કે એજન્ડાને લાભ મુજબ અનામતની જાહેરાત કરવામાં આવી.
પણ હમણા જ જે રીતે કે આખા દેશની નજર હતી કે દેશના અલગ અલગ રાજ્યોમાં પહેલા પણ પ્રયત્ન થયો, કર્ણાટકમાં પણ પ્રયત્ન થયો, ઓડીસા હોય કે કેરલા હોય કે તેલંગાણા હોય એવા અનેક રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રયત્નો થયા પણ બિહાર સરકારે પ્રદેશના લોકોની જે માંગ હતી તે મુજબ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી અને એ વસ્તી ગણતરીની સામે કેટલાય લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા પણ બંને કોર્ટોએ તેને અટકાવવાની જે માંગ હતી તેને ખારીજ કરી. અને બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે પણ ડેટા હતો તેની જાહેર જનતા સમક્ષ રજુ કર્યો છે અને આખો દેશ અને દુનિયાએ જોયો છે.
એનાથી સ્પષ્ટ ખબર પડે છે કે ૨૦૧૧ પછી એસસી. એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજની વસ્તીમાં ખુબ વધારો થયો છે અને એ વસ્તીના વધારા પ્રમાણે એને જે બજેટની ફાળવણી થવી જોઈએ, એને જે સંશાધનોનો લાભ મળવો, એને જે નોકરીઓ, શૈક્ષણિક સંથાઓ, અને જે રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ તે એટલા પ્રમાણમાં મળતી નથી. જો બિહાર જેવું રાજ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી પોતાના રાજ્યની સુખાકારી માટે, કે વિકાસ માટે કે વંચિતોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કરી શકે તો ગુજરાતમાં ૫૨% વસ્તી ઓ.બી.સી સમાજની હોય સાત ટકા વસ્તી એસ.સી સમાજની હોય ૧૪% વસ્તી એસ.ટી સમાજની હોય, ૯% વસ્તી માઈનોરીટી સમાજની હોય આમ ટોટલ સરવાળો કરવા જઈએ તો ૮૦% કરતા વધુ જે વસ્તી છે
એને આજે બજેટની જરૂરિયાત છે, આજે શિક્ષણની જરૂરિયાત છે, વિકાસની જરૂર છે, સંશાધનોની જરૂર છે, રાજકીય અને નોકરીઓમાં અનામતથી સંરક્ષણની જરૂર છે એવા સંજોગોમાં આ ભાજપની સરકાર જે ડબલ એન્જીનની કહે છે જો એના હૈયે ખરેખર ગુજરાતની વંચિત, પીડિત સમાજનું હિત હોય, તેમને લાભ આપવાની વાત હોય, ન્યાય અને અધિકાર આપવા માંગતા હોય તો જે રીતે બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી ડેટા જાહેર કર્યા એજ રીતે ગુજરાત સરકાર પણ તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી અને એના ડેટા જાહેર કરે જેથી કરીને ગુજરાતમાં એસ.સી, એસ.ટી, ઓ.બી.સી અને માઈનોરીટી સમાજનો જે વર્ગ વંચિત છે, શોષિત છે, પીડિત છે, તેમને પણ લાભ મળે.
અમે માંગણી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. અમે દેશના પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે તમે ગુજરાતથી આવો છો, ઓબીસી સમાજમાંથી આવો છો, ગરીબ પરિવારમાંથી આવો છો તો એવા સંજોગોમાં ગુજરાતના જે ગરીબો છે, શોષિતો છે, પીડિતો છે, એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી સમાજ છે એને ખરેખર તમે ન્યાય આપવા માંગતા હોય અને ખરેખર તમે જે દિવસો ગરીબીમાં જોયા અને જેનો પ્રચાર તમે વિશ્વમાં કરો છો એ જ રીતે ભવિષ્યમાં આ સમાજના બાળકો આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે, તેને શિક્ષણ, આરોગ્ય, વિકાસનો લાભ મળે, પુરતું બજેટ મળે તેમને સંશાધનોમાં લાભ મળે અને જેની જેટલી વસ્તી છે એટલી એની હિસ્સેદારી એના અભિગમને ધ્યાનમાં રાખી માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ સરકારને સુચના કરે, સરકારને એ મુજબનું માર્ગદર્શન આપે કે બિહારમાં જે મુજબ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી તે મુજબ ગુજરાતમાં પણ તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે એવી અમે કોંગ્રેસ પક્ષ તરફ્થી માંગણી કરીએ છીએ.
આ પ્રેસ વાર્તામા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ઋત્વિક્ભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments