‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્ર કક્ષાના જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની સાથે સંવાદ કાર્યક્રમ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) અંતર્ગત ૧૦ કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં ૧૧ માં હપ્તાનાં નાણાં જમા કરાવવાનો કાર્યકમ યોજાયો હતો.
ભાવનગર ખાતેનાં ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, ભૂતકાળમાં સરકારમાં યોજનાઓ કાગળ પર બનતી અને કાગળ પર જ પૂરી થઈ જતી હતી. જ્યારે આજે દેશની તિજોરીનો એક એક પૈસાનો દેશના નાગરિકોના લાભાર્થે ૧૦૦ ટકા ઉપયોગ થઇ રહ્યો છે.
રાજ્યમાં દરેક ઘરમાં નળ થી શુદ્ધ પીવાનું જળ પહોંચે, દરેક ગામ પાસે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હોય અને ગામમાં જ સારી સારવાર સુવિધા મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે તેની રૂપરેખા તેમણે આપી હતી.
આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રે સરકારનાં નવતર અભિગમ અંગે જણાવતા કહ્યું કે, ટેલીકન્સલ્ટીંગ સેવાઓથી ઘરથી નજીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીનાં નેતૃત્વમાં લાંબાગાળાનાં વિચારો સાથે કાર્ય યોજનાઓ બનાવી છે. ટેલીકન્સલ્ટીંગ સેવાથી ગામમાં જ આરોગ્ય કેન્દ્ર ખાતે નામાંકિત ડોક્ટરો થકી સારવાર વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જરૂરી સારવાર તેમજ માર્ગદર્શન સરળતાથી મેળવી શકાશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં ૮,૦૦૦ થી પણ વધુ જન ઔષધી કેન્દ્ર થકી ગંભીર બિમારીઓની દવાઓ પણ સસ્તી મળતી થઇ છે. ઉપરાંત આવી અનેક યોજનાઓ સીધે સીધી મધ્યમ વર્ગને મળતી થઇ છે. આયુષ્માન ભારત, નલ સે જલ, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નીધિ, મુદ્રા યોજના તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ક્ષેત્રે રાજ્યમાં થયેલ કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે રજૂ કરી હતી.
આ તકે ભાવનગરનાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વની સરકાર આજે દેશનાં છેવાડાનાં નાગરિકો સહિત સમાજનાં દરેક વર્ગને આવરી લેતો સમતોલિત વિકાસ કર્યો છે. જેના પરિણામે લોકોને યોજનાકીય લાભો શહેરી વિસ્તારો પૂરતાં સીમિત ન રહીને દેશનાં ગરીબો, પિડિતો અને છેવાડાનાં અંતરિયાળ વિસ્તારો સુધી લાભો પહોંચતા થયાં છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઇપણ ગામ, મહોલ્લા, શહેરી વિસ્તારમાં રહેતાં લોકોને સરકારી લાભથી વંચિત રહી ગયેલ હોય તેવું ભાગ્યે જ જોવા મળશે. દરેક ઘરમાં સરકારી લાભ પહોંચતાં કર્યાં છે. આરોગ્ય, વિજળી, પાણી સહિત તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી સરકારશ્રી દ્વારા પહોંચતી કરાઇ છે.
આ અવસરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ભાવનગર જિલ્લાના ૨.૪૬ લાખ ખેડૂતોના ખાતામાં ૧૧ મો હપ્તો જમા થયો હતો. વડાપ્રધાનશ્રીએ દેશના વિવિધ જિલ્લાના લાભાર્થીઓ સાથે સાધેલાં સંવાદ સહિતના તેમના પ્રવચનનું જીવંત પ્રસારણ પણ આ અવસરે કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારશ્રીની મુખ્ય ૧૩ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સ્વચ્છ ભારત મિશન, જળ જીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનાં લાભાર્થીઓને ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી સુશ્રી વિભાવરીબેન દવે, ભીખાભાઇ બારૈયા, આત્મારામભાઇ પરમાર, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા.પ્રમુખશ્રી ડો.રાજીવભાઈ પંડ્યા સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments