fbpx
ગુજરાત

રાજ્ય મ્યુકોરમાઈકોસિસના ભરડામાં, ૨૬ જિલ્લામાં બ્લેક ફંગસ વકર્યો

ગુજરાત રાજ્યમાં ઘાતક મ્યુકોરમાઈકોસિસનો ભરડો ધીમે ધીમે વધતો જાય છે. કોરોના પછી હવે ફંગસની બિમારીથી રાજ્યમાં દર્દીઓનો ઉત્તરોતર વધારો થયો છે. આ બિમારી ઘણી ઘાતક સાબિત થઈ રહી છે. ગુજરાતમાં સોમવારે બપોરે ૧૨ વાગ્યા સુધી રાજ્યમાં ૨ હજાર ૩૮૧ કેસ નોંધાયા છે. બ્લેક ફંગસથી મોત થવાના કિસ્સા પણ વધ્યા છે.

અત્યાર સુધી ૮૧ દર્દીના મોત થયા છે., રાજ્યના કુલ ૨૬ જીલ્લામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે. ૧૨ જીલ્લામાં કોઇ કેસ કે મોત થયું નથી. ૧૪ જીલ્લામાં બ્લેક ફંગસથી મોત થવાના કિસ્સા નોંધાય છે..સૌથી વધુ મોત થયા હોય તેવા વિસ્તારમાં અમદાવાદ પ્રથમ નંબરે છે. અમદાવાદમાં અત્યાર સુધી ૩૫ દર્દીના મોત થયા છે. સુરત ખાતે બ્લેક ફંગસથી મોત થવાના ૨૧ કિસ્સા નોંધાયા છે.

મ્યુકરમાઈકોસિસ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશી ચૂક્યો છે, અમદાવાદ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના ૮ કેસ નોંધાયા છે,જે પૈકી ૩ દર્દીઓની સારવાર પૂર્ણ થઈ ચૂકી છે,જ્યારે ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારમાં ૯ કેસ પૈકી ૫ કેસ સાણંદમાં ૧ કેસ ધોળકા સામે આવ્યો છે,ગ્રામ્ય વિસ્તારમાં રોગ ફેલાતા તબીબોમાં ચિંતા પ્રસરી ગઈ છે..રાહતની વાત એ છે કે મોટી ઉંમરના સ્ટોરોઈડ અને ઓક્સિજન લેનાર દર્દીઓને જ મ્યુકરમાઈકોસિસનો રોગ થયો છે.,બાળકો અને નાની ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ રોગનો શિકાર નથી બન્યા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના ઓપરેશન માટે દર્દીઓનું વેઇટિંગ લાગ્યુ છે. ૧૨૫ જેટલા દર્દીઓનું ઓપરેશન માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. દરરોજના ૨૫ થી ૩૦ ઓપરેશન કરવામાં આવે છે. અત્યાર સુધી સિવિલમા ૬૨૫ દર્દીઓમાંથી ૨૧૦ દર્દીઓની સર્જરી કરાઇ છે. હાલમાં ૩૮૫ દર્દીઓ દાખલ છે. ગઈકાલે ૨૯ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી તો ૧૪ દર્દીઓને રજા આપવામાં આવી હતી. મ્યુકર માટે સિવિલ હોસ્પિટલમાં ૫ ઓપરેશન થિયેટર કાર્યરત છે. અમદાવાદ સિવિલમાં હાલ ૫૦૦થી વધુ દર્દીઓ છે અને રાજકોટ સિવિલમાં પણ ૫૨૦ જેટલા દર્દીઓ દાખલ છે જ્યારે સુરત સિવિલમાં આજે ત્રણ દર્દીના મોત થયા છે. વડોદરા સિવિલમાં ૩૦ સર્જરી અને ૧૧ નવા કેસ તથા ગોત્રીમાં ૬૭ સાથે કુલ ૧૮૫ સારવાર હેઠળ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના દર્દીઓમાં જ્યાં અગાઉ ૨૨થી૨૫ સર્જરી થતી હતી ત્યાં હવે રોજની ૩૨થી૩૪ સર્જરી થઈ રહી છે. ઈએનટી વિભાગના ડોક્ટરના જણાવ્યા મુજબ હવે રાત્રે પણ સર્જરી કરવામા આવે છે અને સાતેય દિવસ તેમજ ૨૪ કલાક ઓપરેશનો થઈ રહ્યા છે. હાલ પાંચ ઓપરેશન થીયેટરમાં ૨૪ કલાકની સરેરાશ ૩૨થી વધુ સર્જરી કરવામા આવે છે.
ઈએનટીના ડોક્ટરો સાથે આંખના ડોક્ટરો તથા અન્ય ડોક્ટરો સાથે મળીને દિવસ રાત ઓપરેશનો થઈ રહ્યા છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દી છે અને એક વોર્ડ વધારવામા આવતા હાલ કુલ નવા વોર્ડ માત્ર મ્યુકર માઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના દર્દીઓ માટે છે.
અન્ય મુખ્ય મહાનગરોમા રાજકોટમાં આજે નવા ૩૦ જેટલા દર્દીઓ દાખલ થયા છે અને હવે કુલ ૫૨૦ જેટલા દર્દી દાખલ છે. જ્યારે સુરતમાં ૧૭ નવા દર્દી દાખલ થયા છે અને હાલ ૧૬૭ દર્દી સારવાર હેઠળ છે જ્યારે એક દર્દીની આંખો સર્જરી દરમિયાન કાઢવામા આવી હતી તેમજ સુરત સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના ત્રણ દર્દીના મોત થયા છે.’

Follow Me:

Related Posts