રાજ્ય સરકારના ‘પાણીદાર આયોજન’થી ગામનાં તળાવો પાણીથી હર્યાભર્યા બની રહ્યાં છે
ભારતીય પરંપરામાં ‘પરિશ્રમને પારસમણી’ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ ની ઉક્તિ પણ જાણીતી છે તેને ખરા અર્થમાં સાર્થક કરતાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનકડા એવા પાંચતલાવડા ગામે ગ્રામજનોએ ઉનાળાના આકરાં તડકામાં પરસેવો પાડીને ગાળેલા ખાળિયાના સ્થાને આજે પાણીથી છલોછલ ભરાયેલું સરોવર આકાર પામ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વરસાદના ટીપે-ટીપા પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે છેલ્લાં ઘણાં સમયથી ઉનાળામાં ગામના તળાવો, વોકરાઓ નદીના વહેણને ઊંડા કરવામાં તેમજ વોકરાઓને સાફ કરવાનું કામ સુજલામ “સુજલામ – સુફલામ” જળ અભિયાન અંતર્ગત કરવામાં આવે છે.
આ રીતે કુદરતના પ્રસાદરૂપે વરસેલા પાણીના દરેક બુંદનો સંગ્રહ કરીને તેને મોટાપાયે જમીનમાં ઉતારી શકાય અને સંગ્રહ કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા “સુજલામ- સુફલામ” અભિયાન દ્વારા ધરતીને સુજલામ – સુફલામ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ અંગે પાંચ તલાવડા ગામના સરપંચશ્રી બાલાભાઈ ડાંગરે જણાવ્યું કે, મનરેગા યોજના હેઠળ સિહોર તાલુકા અને ભાવનગર જિલ્લા તંત્રના માર્ગદર્શન સાથે પાંચતલાવડા ગામે થયેલાં રાહતકામથી કોરોના કાળમાં કામવિહીન થયેલાં ગરીબ- મધ્યમવર્ગના છેવાડાના પરિવારોને આ રીતે મજૂરી તો મળી જ છે.
આ ઉપરાંત ખેતીના વપરાશ માટે આખું વર્ષ સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય તેટલાં પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગામના પીવાના પાણીનો પ્રશ્ન પણ તેનાથી હલ થયો છે. આ સરોવર પુરેપુરૂ ભરાઇ જવાથી આજુ-બાજુના ખેતર તથા વાડીઓમાં પાણીના સ્તર ઉપર આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત ગત વર્ષે આ તળાવ અને અને તેની આસપાસ બીજા ત્રણ તળાવ પણ સુજલામ- સુફલામ યોજના હેઠળ ઊંડા કરવામાં આવ્યાં હતાં તે પણ પાણીથી છલોછલ ભરાઇ જતાં અમારા ગામમાં પાણીની મોટી સગવડ ઊભી થઈ છે.
અહીંયા ઉનાળાના દિવસોમાં પાડેલાં આકરા પરસેવાથી જાણે પ્રસન્ન થયેલ પ્રકૃતિએ પાંચ તલાવડા ગામમાં જ્યારે પોતાની પ્રસન્નતા પાથરી હોય તે રીતે ખાળિયાના સ્થાને આજે છલોછલ સરોવર હિલોળા મારી રહ્યું છે.
આ જળસંગ્રહ કામથી અને ગયા પખવાડિયાના પ્રારંભિક વરસાદથી જ ગામના પાદરના તલાવડામાં પાણી ભરાતાં ગમતળ અને નજીકમાં આવેલ વાડીઓ માટે પણ પાણીના તળમાં ઊંચા આવવાથી ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, પાંચતલાવડા ગામે ગામતળ આસપાસ અગાઉ પણ આડબંધ નિર્માણ થયેલા છે.જે બધાં પણ તાજેતરમાં થયેલાં વરસાદી પાણીથી છલોછલ ભરાયાં છે.
રાજ્ય સરકારના સુદ્રઢ આયોજન હેઠળ ઉનાળાના આકરાં તડકામાં પાડેલાં પરસેવાનું ફળ હવે નાનકડાં એવાં પાંચતલાવડા ગામને મળી રહ્યું છે.
આ માટે ગામના આગેવાનોની દ્રષ્ટિ અને ગ્રામજનોના સંકલન અને સહકારથી થયેલા કામનું સુંદર પરિણામ પાંચ તલાવડા ગામને મળી રહ્યું છે.
રાજ્ય સરકારના પાણીદાર પાણીના આયોજનને કારણે સર્જાયેલું પાંચ તલાવડાનું આ સરોવર પ્રકૃતિના આશિર્વાદ સ્વરૂપે પાણીથી છલોછલ થઈ ભવિષ્યની સમૃદ્ધિના એંધાણ આપતાં તેને જોનાર હૈયાને ટાઢક આપી રહ્યું છે.
Recent Comments