ધો.૧૦ અને ધો.૧૨ (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ) બાદ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪ તૈયાર કરવામાં આવ્યો છે. કારકિર્દી ઘડતર માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ? કયા અભ્યાસક્રમ ક્યા સ્થળે કરી શકાય છે? ક્યો અભ્યાસક્રમ ક્યા સ્થળેથી કરવો? ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ અને રોજગારી મેળવવા માટે ક્યો વિકલ્પ પસંદ કરવો? વગેરે જેવા અનેક સવાલો બાબતે વિદ્યાર્થી અને વાલીઓને આ અંકના માધ્યમથી દિશાદર્શન થઈ શકે છે. ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪માં ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દીના વિવિધ વિકલ્પો, એન્જિનિયરિંગ ફિલ્ડની વિવિધ શાખાઓ, આધુનિક સમયમાં કારકિર્દીના ઉમદા વિકલ્પો, કાયદા, કૃષિ, એરો સ્પેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ઉજ્જવળ સંભાવનાઓ, સાયબર સુરક્ષા, ક્લાઉડ કોમ્પ્યૂટિંગ સહિતના ક્ષેત્રે કારકિર્દી વિષયક માર્ગદર્શન ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ન્યુ મીડિયા સહિતના ક્ષેત્રમાં તકો અને એ.એમ.એના વ્યાવસાયિક અભ્યાસક્રમો, દિવ્યાંગોને કારકિર્દી ઘડતર માટે વીઆરસી ભવન સહિતની બાબતોને આવરી લેતી વિગતો અને માર્ગદર્શન આ વિશેષાંકમાં છે. યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન પણ આ અંકમાં સમાવિષ્ટ છે. ગુજરાતના વિખ્યાત લેખક સર્વ શ્રી પુલક ત્રિવેદી, શ્રી ભવેન કચ્છી, શ્રી રમેશ તન્ના, શ્રી સફીન હસન, શ્રી ઉત્સવ પરમાર, શ્રી અંકિત દેસાઇ, શ્રી દેવેશ મહેતા સહિતનાઓ દ્વારા લિખિત પ્રેરણાદાયી લેખોનો પણ સમાવેશ આ અંકમાં છે, જે વિદ્યાર્થીઓને ઉત્તમ ભવિષ્ય નિર્માણ માટે રાહ ચીંધશે.
મહત્વનું છે કે, જિલ્લા માહિતી કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જૂના માર્કેટ યાર્ડ સામે, જિલ્લા પંચાયત રોડ, અમરેલી ખાતેથી કચેરી સમય દરમિયાન (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી) રુ.૨૦ની કિંમત ચૂકવીને કારકિર્દી વિશેષાંક-૨૦૨૪ પ્રાપ્ત થઈ શકશે.
Recent Comments