અમરેલી

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે તા. ૧ થી ૯ ઓગષ્ટ દરમિયાન અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો

કોરોના ગાઇડલાઇન્સને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવા સુચારૂં આયોજન

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષના સુશાસનની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આજે તા. ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ, ૨૦૨૧ સુધી પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ સૌનો વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને તમામ SOP ના પાલન સાથે હાથ ધરાનારા વિવિધ કાર્યક્રમોનું અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂં આયોજન કરવામાં આવનાર છે.

અમરેલી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉક્ત ઉજવણીના પૂર્વ આયોજન અંગે વિવિધ બેઠકો યોજાઈ હતી.

નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં ‘પાંચ વર્ષ આપણી સરકારના-સૌનો સાથ,સૌનો વિકાસના’ અંતર્ગત આજે તા.૧ ઓગષ્ટના “જ્ઞાનશક્તિ દિન“ અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરી શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયત્નો કરાશે. તેજ રીતે તા.૨ જી ઓગષ્ટે સેવા સેતૂ કાર્યક્રમોના આયોજન થકી “સંવેદના દિન” અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે. તા.૪ થી ઓગષ્ટે મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી “મહિલા સશક્તિકરણ દિન” નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે. તા.૫ મી ઓગષ્ટે કિસાન સૂર્યોદય યોજના-સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને “ધરતીપુત્ર સન્માન દિન”ના કાર્યક્રમો કરાશે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો થકી તા. ૬ ઓગષ્ટે “યુવા શક્તિ દિન” અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યક્રમો યોજાશે. તા.૭ મી ઓગષ્ટે “ગરીબ ઉત્કર્ષ દિન” અંતર્ગત વિકાસની ચાલી રહેલી અવિરત પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઇ જવાશે. તા.૮ મી ઓગષ્ટે “શહેરી જન સુખાકારી દિન” અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તે જ રીતે તા.૯ મી ઓગષ્ટે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે.

Follow Me:

Related Posts