અમરેલી

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને અંદાજે ૩૭.૫૦ લાખના ખર્ચે ખરીદવામાં આવેલી પાંચ એમ્બ્યુલન્સોની ફાળવણી

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું

રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને ૭.૫ લાખની એક એવી ૩૭.૫ લાખના ખર્ચે પાંચ ગામોને પાંચ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રમુખશ્રીએ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવએ જણાવ્યું હતું કે આજથી અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના દેવગામ, બગસરાના જૂની હળીયાદ, ખાંભાના ખડાધાર, રાજુલાના ખેરા અને અમરેલીના વાંકિયા એમ કુલ પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એમ્બ્યુલન્સ ફાળવી જિલ્લાની આરોગ્ય સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સો આરોગ્ય અને કુટુંબ કલ્યાણની સેવાઓ તેમજ દર્દીઓને રીફર કરવા, ક્ષેત્રીય સુપરવિઝન, ઓપરેશન તેમજ પ્રસુતિ અને પ્રસુતિ બાદ બહેનો અને બાળકોની આરોગ્ય સુવિધાઓ માટે અત્યંત આશીર્વાદરૂપ નીવડશે.

ઉલ્લેખનીય છે કે આયોજનની ૧૫ % વિવેકાધિન ગ્રાન્ટ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ફાળવવામાં આવેલી રકમમાંથી એમ્બ્યુલન્સોની ખરીદી કરવામાં આવી છે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ સહિતના સર્વે આરોગ્ય શાખાના અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts