રાજ કપૂરે ગૂંજતા કરેલા ‘રમૈયા વસ્તાવૈયા’ના પડઘા જવાનમાં સંભળાશે
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ત્રીજું ગીત નોટ રમૈયા વસ્તાવૈયા રિલીઝ થઈ રહ્યું છે. ફિલ્મની રિલીઝને થોડા દિવસ બાકી છે ત્યારે તેના પ્રમોશનમાં શાહરૂખ કોઈ કસર રાખવા તૈયાર નથી. શાહરૂખે ફિલ્મના ત્રીજા ડાન્સ નંબરની ઝલક આપી છે અને સોમવાર સવારથી જ હજારો લોકોના હોઠ પર ‘નોટ રમૈયા વસ્તાવૈયા’ શબ્દો રમી રહ્યા છે. શાહરૂખ ખાને પોતાની ફિલ્મ માટે ઉપયોગમાં લીધેલા આ શબ્દોને દેશભરમાં ગૂંજતા કરવાનું શ્રેય વીતેલા જમાનાના સુપર સ્ટાર રાજ કપૂરના ફાળે જાય છે. તેમણે પોતાની ફિલ્મ શ્રી ૪૨૦માં સૌ પ્રથમ વખત આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
‘રમૈયા વસ્તાવૈયા’ મૂળે તેલુગુ ભાષાના શબ્દ છે અને રાજકપૂરે આ શબ્દો કે રૂઢિપ્રયોગને હિન્દી ગીતમાં રજૂ કર્યા હતા. આ પાછળ પણ એક ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી છે. માયાપુરી મેગેઝિનના રિપોર્ટ મુજબ, શ્રી ૪૨૦ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. રાજ કપૂર અને મ્યૂઝિક કમ્પોઝરની ટીમ અવાર-નવાર ખંડાલા જતા હતા. મ્યૂઝિક ટીમમાં શંકર, જયકિશન, શૈલેન્દ્ર અને હસરત જયપુરી જેવા દિગ્ગજાેનો સમાવેશ થતો હતો. તેઓ નિયમિત પણે એક નાની હોટલ પર ચા-નાસ્તા માટે રોકાતા હતા. આવા હોલ્ટ દરમિયાન તેમની મુલાકાત તેલુગુ વેઈટર રમૈયા સાથે થતી હતી.
રાજ કપૂરની ટીમમાંથી શંકર આ વેઈટર સાથે તેલુગુમાં વાત કરતા હતા, કારણ કે તેઓ ઘણો સમય હૈદરાબાદમાં રહ્યા હતા. આવા જ એક હોલ્ટ દરમિયાન તેઓ હોટલ પર રોકાયા અને શંકરને કશોક ઓર્ડર આપવો હતો તેથી તેમણે રમૈયાના નામની બૂમ પાડી. વેઈટર રમૈયા બિઝી હોવાથી શંકરે તેની રાહ જાેવાનું ચાલું કહ્યું. આ સાથે તેઓ મનમાં ગણગણતા હતા રમૈયા વસ્તાવૈયા (રમૈયા તુ જલદી આવ). શંકરના ગણગણાટમાં પણ ગીતના સૂર સંભળાતા જયકિશને ટેબલ પર તબલાં વગાડવાનું શરૂ કર્યું. હસરત કંટાળીને ખૂણામાં બેસી ગયા. થોડી વાર રહી તેમણે સંકરને પૂછ્યું કે, તમારે બીજું કંઈ કરવું છે. તો જવાબમાં ગીતકાર શૈલેન્દ્રના શબ્દો ઉમેરાયા, મૈંને દિલ તુજકો દિયા. આ સમગ્ર ઘટનાની રાજ કપૂર સાથે વાત થઈ અને રાજ કપૂરને આ શબ્દો ગમી ગયા. તેમણે તરત જ આ શબ્દોને પોતાના ગીતમાં સમાવી લીધા. આ રીતે હિન્દી ફિલ્મનું સદાબહાર ગીત તૈયાર થયું.
Recent Comments