રાત્રે અડિંગો જમાવતા લોકો પર ગાંધીનગર પોલીસ ત્રાટકીઃ ૨૦ બાઇક ડિટેઇન કરાયા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાં અડીંગો જમાવીને બેસી રાત્રિ કરફ્યુ ના કાયદાનું ચિર હરણ થતું હોવાની ફરિયાદ જિલ્લા પોલીસ વડાને મળતાં જ મોડી રાત્રે પોલીસ કાફલાએ સિવિલ સંકુલમાં ધોંસ બોલાવી દીધી હતી.ત્યારે પોલીસે દસ જેટલા યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી ૨૦ બાઈક ડિટેઇન કરી લાલ આંખ કરતા જ યુવાનોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ગાંધીનગરમાં દિન પ્રતિદિન દારૂ, જુગાર તેમજ ચોરીની ઘટનાઓએ માઝા મૂકી દીધી છે. રાત્રિ કરફ્યુ વચ્ચે પણ ગાંધીનગરમાં તસ્કરો બેફામ બની તરખાટ મચાવી રાત્રિ અંધકારમાં પલાયન થઈ જાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સિવિલ સંકુલમાં રાત્રિ કરફ્યુ વચ્ચે પણ નાસ્તાની દુકાનો ખુલ્લી રહેતી હોવાથી યુવાધન રાત પડતાં જ સિવિલમાં અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે.
સિવિલ સંકુલમાં સીસીટીવી કેમેરા કાર્યરત નહીં હોવાના કારણે તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું છે. સંકુલમાં સિક્યુરિટી હોવા છતાં પણ અવારનવાર વાહન ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જે બાબતે પોલીસ તંત્ર ધ્વારા પણ સિવિલ સંકુલમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવતા નથી. અહીં કેમેરા નહીં હોવાના કારણે પણ યુવાધનને પણ મોકળું મેદાન મળી ગયું છે.
આવા સંજાેગોમાં ગઈકાલે એક યુવતીએ સિવિલ સંકુલમાં રાત્રિ કરફ્યુ દરમિયાન કાયદાનું ચિર હરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને કરવામાં આવી હતી. આ અંગે સિવિલ સૂત્રોએ જણાવ્યું હતું કે ગઈકાલે એક યુવતીએ સિવિલના ગેટ થી માંડી સંકુલની અંદરનો વિડીયો ઉતારીને જિલ્લા પોલીસ વડાને મોકલી આપવામાં આવ્યો હતો. જેની પોલીસ વડાએ ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.
જેનાં પગલે સેકટર ૭ પોલીસનો કાફલો મોડી રાત્રે સિવિલ સંકુલમાં ત્રાટક્યો હતો અને વિના કારણ બેસી રહેલા યુવાનોને લમગાર્યા હતા. અચાનક આવી પહોંચેલી પોલીસ ની કાર્યવાહીથી રાત્રે નાસભાગ મચી જવા પામી હતી. સિવિલમાં વાહનો લઈને આવેલા ઘણા યુવાનો પોલીસનું રૌદ્ર સ્વરૂપ જાેઈને ફફડી ઉઠયા હતા અને બાઈક મૂકીને નાસી ગયા હતા. ત્યારે પોલીસે સંકુલમાં ચાલતી ચાઈ જી ની કીટલીનાં માલિક સહિત ૬ યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત સિવિલમાં થી ૨૦ બાઈક ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.
આ અંગે સેકટર ૭ પીઆઈ સચિન પવારે જણાવ્યું હતું કે, ગઈકાલે સિવિલમાં યુવાનો એકઠા થયાની જાણ થતાં જ કકડ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દસેક યુવાનો વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ એપેડેમિક એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય ૨૦ બાઈક ને ડિટેઇન કરી લેવાયા છે. આગામી દિવસોમાં પણ સિવિલ સંકુલ સહિતના વિસ્તારોમાં પણ આજ રીતે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે.
Recent Comments