રાત્રે નાની દિકરી સાથે સુઈ રહેલી રાધાને શંભુએ સળગાવી દીધીસુરતના કતારગામ વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપનો કરુણ અંજામ
સુરતના કતારગામ વિસ્તારથી રુંવાડા ઉભા થઈ જાય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીએ પોતાની જ પ્રેમિકા પર જલનશીલ પદાર્થ નાંખી તેને જીવથી સળગાવી હતી. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન પ્રેમિકાનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ કતારગામ પોલીસે આ ઘટનામાં પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે રાધા નામની મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી અને છૂટક મજૂરી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવતી હતું. રાધા આઠ વર્ષથી શંભુ આડા નામના યુવાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. તેનો પતિ માનસિક રીતે અસ્થિર હોવાથી તેને છોડી મૂક્યો હતો અને આઠ વર્ષથી શંભુ સાથે રહેતી હતી. આ દરમિયાન શંભુને એ વાતની આશંકા હતી કે રાધાનું ત્યાં જ રહેતા એક યુવાન સાથે આડા સંબંધ છે. જે શંકા રાખી રાધાની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. આ માટે મોડી રાત્રે જ્યારે રાધા તેની પુત્રી સાથે સુઈ રહી હતી ત્યારે શંભુ ત્યાં આવ્યો હતો અને તેને જલનશીલ પદાર્થ ઉપર છાંટ્યું હતું અને તેને સળગાવી દીધી હતી.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. શરૂઆતમાં રાધાની પુત્રીએ પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ૧૦૮ મારફતે રાધાને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન રાધાનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ આ ઘટનાને પગલે કતારગામ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો દોડતો થયો હતો. પોલીસની ટીમે તાત્કાલિક ધોરણે હત્યારા એવા શંભુ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોર હાથ ધરી હતી. જ્યાં ગણતરીના કલાકોમાં જ કતારગામ પોલીસે હત્યારા એવા શંભુની ધરપકડ કરી હતી, અને તેને જેલ ભેગો કર્યો હતો. હાલ તો કતારગામ પોલીસે શંભુ કેરોસીન ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
Recent Comments