fbpx
ગુજરાત

રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજ ની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ, વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા ગતિવિધી તેજ બનાવવામાં આવી છે. તો વિવિધ સમાજ દ્વારા પણ પોતાનું રાજકીય મહત્વ સચવાય તે માટે સામાજિક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણના રાધનપુરમાં રઘુવંશી સમાજનું શક્તિ પ્રદર્શન રઘુવંશી ક્રાંતિ મંચનાં નેજા હેઠળ મહા સંમેલનના રૂપમાં યોજવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં રઘુવંશી સમાજના ઉત્તર ગુજરાતના રાજકીય તેમજ સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આવનારી 2022ની વિધાનસભાની ચુંટણીમાં રઘુવંશી સમાજને રાજકીય પાર્ટીઓ ટિકિટ આપે તેવી માંગ કરવામાં આવી હતી. જે પણ રાજકીય પાર્ટી રધુવંશી સમાજને મહત્વ આપશે તે જ રાજકીય પાર્ટીને રઘુવંશી સમાજ સમથૅન આપશે તેવી ઘોષણા પણ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

વર્ષ 2022ની ચૂંટણીમાં સમાજની નોંધ લેવાય તે હેતુથી આ સંમેલન યોજાયું હતું. જેમાં રાધનપુરના રઘુવંશી સમાજના આગેવાન ફરશુભાઈ ગોકલાણી, મહેશભાઈ મુલાણી, લાલેશ ઠક્કર સહિતના રાજકીય, સામાજિક આગેવાનો, યુવા કાર્યકરો સહિત લોહાણા સમાજના લોક સેવકો તેમજ જુદી જુદી રાજકીય પાર્ટીઓમાં હોદ્દાઓ પર રહી ચૂકેલા આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુર ખાતે આયોજિત રઘુવંશી સમાજના શક્તિ પ્રદર્શન સાથેના મહા સંમેલનમાં સમાજના રાજકીય આગેવાનોની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. તેમજ વર્તમાન સમયમાં સમાજના રાજકીય આગેવાનોની રાજકીય પાર્ટી દ્વારા અવગણના થઈ રહી છે તે બાબતે પણ વિશેષ ચિંતન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts