ગુજરાત

રાધનપુર પૂર્વ ભાજપ મહામંત્રીએ પુત્ર સાથે મળી કિશોરની હત્યા કરી

રાધનપુરમાં ભાજપના પૂર્વ મહામંત્રીની દીકરી સાથે ધો.૧૧માં ભણતા ૧૬ વર્ષીય મિતુલ સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનો વહેમ રાખીને સાંજે હાઇવે ચાર રસ્તાથી વારાહી રોડ ઉપર આવેલા મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટરના બાજુમાં મિતુલને છરીઓના ઘા મારીને યુવતીના પિતા અને ભાઈએ ઘાયલ કર્યો હતો. જેને વધુ સારવાર અર્થે મહેસાણા મોકલતા ત્યાં હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. પોલીસે આરોપી ભૌતિક પંડ્યાની હારિજથી ધરપકડ કરીને લૉકઅપમાં ધકેલી દીધો હતો. ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. કાંકરેજ તાલુકાના રતનપુરા (ઉણ)ના રમેશભાઈ શંકરભાઇ ડાભી(ઠાકોર)નો દીકરો મિતુલ આદર્શ હાઈસ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતો હતો.

ભાજપના પૂર્વ મહામંત્રી વાસુદેવભાઈ પંડ્યાની દીકરી પણ તેની સાથે ભણતી હતી. તેઓ બંને વચ્ચે આડા સબંધો હોવાનો વહેમ રાખીને ભૌતિક વાસુદેવભાઈ પંડ્યા અને તેના પિતા વાસુદેવભાઈ પંડ્યાએ સાંજે મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે વારાહી રોડ બાજુ મિતુલ ઉભો હતો. ત્યાં બાઈક ઉપર જઈને વાસુદેવભાઈ પંડ્યા મિતુલને ખેંચીને ઝાડીમાં લઈ ગયા હતા એ સમય દરમ્યાન મિતુલે બૂમો પાડતાં દૂર ઉભેલા તેના પિતા રમેશભાઈ દોડતા ત્યાં બચાવવા પહોંચે એ પહેલા ભૌતિક અને તેના પિતા વાસુદેવભાઈએ મિતુલને ઉપરાછાપરી છરીના ઘા મારીને નીચે પાડીને બંને જણા તેમના બાઈક ઉપર ભાગી ગયા હતા. રમેશભાઈ તાત્કાલિક તેમના દીકરા મિતુલને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાંથી વધુ સારવાર માટે મિતુલને મહેસાણા ખસેડ્યો હતો. જ્યાં મિતુલનું અવસાન થયું હતું. મિતુલના દાદા શંકરભાઇ માવાભાઇ ડાભી (ઠાકોર)ની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભૌતિક વાસુદેવભાઈ પંડ્યાની હારિજથી ધરપકડ કરીને લૉકઅપમા બંધ કરી દીધો હતો. પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે મૃતક આદર્શ હાઈસ્કૂલમાં ભણે છે. પોલીસે સ્કૂલના આચાર્ય અને ક્લાસ ટીચરને વિનંતી કરીને રાત્રે સ્કૂલ ખોલાવી મૃતકના મિત્રો અંગે માહિતી મેળવીને આરોપીની જાણકારી મેળવી હતી અને ટીમને કામે લગાવીને આરોપીને હારિજથી ઝડપી લીધો હતો.

એફએસએલની ટીમ આવી પહોંચી હતી અને ઘટનાસ્થળેથી લોહીના તેમજ અન્ય નમૂના એકઠા કર્યા હતા. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એફ.ચાવડા પણ આ સમયે ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા. મૃતક મિતુલ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો, મિતુલની એક બેન છે જે ગાંધીનગરમાં અભ્યાસ કરે છે.જયારે આરોપી ભૌતિક પણ તેના માતા-પિતાનો એકનો એક દીકરો છે.

Related Posts