રામનગરમાં ૬ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર ૬૦ વર્ષનો નરાધમ ઝડપાયો
કલોલના રામનગર ઇન્દિરાનગર આવાસમાં રહેતા એક ૬૦ વર્ષીય વૃદ્ધાએ પોતાની પૌત્રીની ઉમરની ૬ વર્ષીય બાળકી પર નજર બગાડી હોવાની ઘટના સામે આવી છે. આ વૃદ્ધ બાળકીને કાકડી આપવાની લાલચ આપી પોતાના ઘરે લઇ ગયા હતા અને શારીરિક અડપલાં કરી અધમ કૃત્ય આચર્યું હતું. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે વૃદ્ધની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ તાલુકાના રામનગર બીડ વાસમાં રહેતા ૬૦ વર્ષીય રતિલાલ શંકરલાલ રાવત વૃદ્ધ પત્ની સાથે રહે છે. મજૂરી કામ કરી જીવન ગુજારતા રતિલાલની દીકરી તેની સાસરીમાં રહે છે. જ્યારે વૃદ્ધ દંપતી છેલ્લા ઘણા સમયથી બીડ વાસમાં રહે છે. તેની વૃદ્ધ પત્ની છેલ્લા ઘણા દિવસથી તેની સાસરીમાં ગયા છે. જેથી રતિલાલ ઘરે એકલો જ રહેતો હતો.
ગઈકાલે સાંજના સમયે તેના ઘરની પાસે ખુલ્લી જગ્યામાં પાડોશીની છ વર્ષીય દીકરી રમી રહી હતી. આસપાસમાં કોઈ ખાસ ચહલ પહલ ન હોવાથી તેમજ બાળકીની માતા પણ ઘરના કામમાં વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી રતિલાલે તેની સાથે વાતચીત શરૂ કરી હતી. રતિલાલ પાડોશમાં રહેતો હોવાથી બાળકી પણ તેનાથી પરિચિત હતી. જેથી તેણે પણ રતિલાલની વાતોનો જવાબ આપવાનું શરૂ કર્યું હતું.
મોકાનો ફાયદો ઉઠાવી રતિલાલે બાળકીને કાકડી ખાવાની લાલચ આપી હતી. બાળકીએ કાકડી ખાવાની ઈચ્છા દર્શાવતા તેણે પોતાના ઘરે કાકડી હોવાનું જણાવી સાથે આવવાની વાત કરીને પોતાના ઘરમાં લઈ ગયો હતો. રતિલાલે બાળકી સાથે શારીરિક અડપલાં કરી અધમ કૃત્ય આચર્યું હતું. આથી ડરી ગયેલી બાળકી રડતી રડતી પોતાના ઘરે ગઈ હતી. અચાનક દીકરી રડતાં રડતાં ઘરે આવતા તેની માતાએ રડવાનું કારણ પૂછયું હતું. જેણે પાડોશી રતિલાલ ઘરમાં કાકડી આપવાની લાલચ આપી કરેલા કૃત્યની કહાની વર્ણવી હતી. આ સાંભળી તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બાળકીની માતાએ કલોલ તાલુકા પોલીસ મથકમાં રતિલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કલોલ તાલુકા પીઆઈ કરણ દેસાઈએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ હાલમાં પોકસો એકટ તેમજ આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં બાળકીનું મેડિકલ પરીક્ષણ માટેની કાર્યવાહી ચાલી રહી છે જે રિપોર્ટ આવ્યા પછી વધુ કલમ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.
Recent Comments