બોલિવૂડ

‘રામાયણ’માં સુમંતનું પાત્ર ભજવનાર વરિષ્ઠ એક્ટર ચંદ્રશેખરનું થયું નિધન

ટીવીના લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં સુમંતનું પાત્ર ભજવનાર ૯૭ વર્ષીય વરિષ્ઠ એક્ટર ચંદ્રશેખરનું બુધવાર, ૧૬ જૂનના રોજ સવારે સાત વાગે નિધન થયું છે. ચંદ્રશેખરનો દોહિત્ર શક્તિ અરોરા પણ ટીવીનો જાણીતો એક્ટર છે.
ચંદ્રશેખરના દીકરા તથા પ્રોફેસર અશોક ચંદ્રશેખરે પિતાના નિધનની પુષ્ટિ કરી હતી. અશોકે કહ્યું હતું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે, ૧૬ જૂનના રોજ બપોરે ત્રણ વાગે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે પિતાનું ઉંઘમાં જ અવસાન થયું હતું. તેમને કોઈ બીમારી નહોતી. ગયા અઠવાડિયે તાવ આવ્યો હતો અને તેમને એક દિવસ માટે જુહૂ સ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ઘરમાં ઓક્સિજન સહિતની સુવિધા રાખવામાં આવી હતી, જેથી ઇમરજન્સીમાં કોઈ સમસ્યા ના થાય. તેઓ એકદમ ઠીક હતા અને તેમણે શાંતિપૂર્ણ રીત દુનિયાને અલવિદા કહી હતી

સીઆઈએનટીએએના સંયુક્ત સચિવ અમિત બહલે કહ્યું હતું કે આ બહુ જ મોટું નુકસાન છે. ચંદ્રશેખરસર, આશા પારેખ, મિથુનદા વગેરે સ્ટાર્સે ઓફિસ માટે નવી જગ્યા લીધી હતી અને હવે તે નવી ઓફિસ બનવાની હતી. ૧૯૮૫થી લઈ ૧૯૯૬ સુધી સિને આર્ટિસ્ટ એસોસિયેશન (સીઆઈએનટીએએ)ના પ્રમુખ તરીકે કામ કર્યું હતું.

ચંદ્રશેખરનો જન્મ ૭ જુલાઈ, ૧૯૨૩ના રોજ થયો હતો. તેમનું જીવન સંઘર્ષથી ભરપૂર રહ્યું છે. ૧૩ વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જતાં તેમણે સાતમા ધોરણ પછી અભ્યાસ મૂકી દીધો હતો. એક સમયે ચંદ્રશેખરે ચોકીદારી તથા ટ્રોલી ખેંચવાનું કામ કર્યું હતું. તેઓ ‘ભારત છોડો’ આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
‘રામાયણ’ પહેલાં ચંદ્રશેખરે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. ૧૯૫૦ના દાયકામાં તેઓ લોકપ્રિય એક્ટર રહ્યાં હતાં. તેમનું પૂરું નામ ચંદ્રશેખર વિદ્યા છે. તેમણે ફિલ્મ ‘સુરંગ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વી શાંતરામે ૧૯૫૪માં બનાવી હતી. તેમણે અંદાજે ૧૧૨ પ્રોજેક્ટ્‌સમાં કામ કર્યું હતું.

Related Posts