અજય દેવગણ અને અક્ષય કુમારની મહત્ત્વાકાંક્ષી ફિલ્મો વચ્ચે તણખા ઝરવાનું નિશ્ચિત છે. દિવાળીના તહેવારો દરમિયાન ૨૫ ઓક્ટોબરે આ બંને ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તેના એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયાં છે. અનિલ થડાની થેન્ક ગોડને રિલીઝ કરી રહ્યા છે અને તેમણે ‘રામ સેતુ’ સામે ટક્કર લેવા માટે થેન્ક ગોડના ટિકિટ દર ૨૦ ટકા ઓછા રાખવા થીયેટર માલિકોને જણાવ્યું છે. રામ સેતુમાં અક્ષય કુમારની સાથે જેકલિન ફનાર્ન્ડિઝ લીડ રોલમાં છે, જ્યારે થેન્ક ગોડમાં અજય દેવગણની સાથે સિદ્ધાર્થ મલહોત્રા અને રકુલ પ્રીત સિંહ છે. થેન્ક ગોડને મલ્ટિસ્ટારર કોમેડી કહી શકાય, પરંતુ અક્ષય કુમારની ફિલ્મનો વિષય ખૂબ રસપ્રદ હોવાના કારણે અનિલ થડાનીએ માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. ટી સિરિઝે પ્રોડ્યુસ કરેલી ફિલ્મની રિલીઝના રાઈટ્સ અનિલ થડાની પાસે છે. તેમણે થીયેટર સંચાલકોને એક મેઈલ મોકલ્યો છે અને દિવાળીના તહેવાર દરમિયન પણ ટિકિટના ભાવ સામાન્ય રાખવા કહ્યું છે.
થેન્ક ગોડની ટિકિટના દર રામ સેતુની સરખામણીએ ૨૦ ટકા ઓછા રાખવા તેમણે કહ્યું છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટર થડાનીનું માનવું છે કે, ટિકિટના દર ઓછા રાખવાથી ઓડિયન્સને ફેમિલી સાથે ફિલ્મ જાેવા માટે પ્રોત્સાહન મળશે. ૨૦૨૨ના વર્ષમાં બોલિવૂડની એક માત્ર બ્લોકબસ્ટર ફિલ્મ રહેલી ભૂલ ભુલૈયા-૨માં પણ આ પ્રકારનો અખતરો કરાયો હતો અને ફિલ્મ બમ્પર હિટ રહી હતી. થેન્ક ગોડને હિટ બનાવવા માટે સસ્તી ટિકિટ રાખવાની સાથે વિવાદોથી બચાવવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. કોમેડી જાેનરની આ ફિલ્મમાં અજય દેવગણે ચિત્રગુપ્તનો રોલ કર્યો છે. ચિત્રગુપ્તના કેરેક્ટરની કોમેડીના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટ સુધી અરજીઓ થઈ છે. આગામી સમયમાં આ વિવાદ મુશ્કેલી ઊભી ન કરે તે હેતુથી ચિત્રગુપ્તનું નામ બદલીને સીજી રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં યમદૂતને વાયડી તરીકે સંબોધિત કરવામાં આવશે.
Recent Comments