રિકવરીના મુદ્દે ઓમ કન્સ્ટ્રક્શનના માલિકે અધિકારીને ગાળો આપી . .

ડામર રોડ બનાવવાના કામમાં ઓમ કન્સ્ટ્રક્શન કંપનીએ લાગતા વળગતાઓ સાથે સાંઠ ગાંઠ કરી સરકારી નિયમ વિરુદ્ધ ખાનગી એજન્સીઓના બિલો રજૂ કરી વધારાના લઈ લીધેલ રૂપિયા 22.50 લાખ જેવી રકમ ની રિકવરી અંગે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પત્ર વ્યવહાર કરતા આ કંપનીના માલિકે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ફોનમાં ધમકી આપી ગાળો આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ હતી.શહેરના પાનવાડી માજીરાજ ગેસ્ટ હાઉસ પાસે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરીના હિસાબી અધિકારી વર્ગ એક ઋષિરાજભાઈ જય નારાયણભાઈ સકસેનાએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ઓમ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પેટા વિભાગની કચેરીના તાંત્રિક કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી.
આ કંપનીએ સરકારી નિયમ વિરુદ્ધ ખાનગી એજન્સીઓના ડામરની ખરીદીના બિલો રજૂ કરી રૂપિયા 22.50 લાખ ના વધારાના સ્ટાર રેટ મેળવી લીધેલ. જેથી આ કંપનીને અગાઉ વધારે ચૂકવી દેવાયેલ આ 22.50 લાખ રૂપિયાની રિકવરી કરવાની હોય તે અંગે કચેરીએ કંપની સાથે પત્ર વ્યવહાર કરાતા જે બાબત આ કંપનીના માલિક રાજેન્દ્ર ઉર્ફે રાજભા સરવૈયાને પસંદ ન હોય તેણે સરકારી અધિકારી ઋષિરાજભાઈને ફોન કરીને આ બાબતે અપશબ્દો બોલી, ધમકી આપી, ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ગાળો ભાંડી ફરજમાં રૂકાવટ કરતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments