fbpx
ગુજરાત

રિક્ષા ચાલકને સો-સલામઃ ૨ લાખ ભરેલું પર્સ અને ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા

આજના કળિયુગી જમાનામાં ઈમાનદારીના કિસ્સા ખુબ જ ઓછા જાેવા મળી રહ્યા છે. તેમ છતાં દુનિયામાં હજુ પ્રમાણિકતા જીવિત છે. આજે અમદાવાદના એક રિક્ષા ચાલકની ઈમાનદારીનો બેસ્ટ નમૂનો પ્રસ્તૂત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેનું અમદાવાદ રિક્ષા ચાલક યુનિયને ફળ સ્વરૂપે તેમનું સન્માન કરીને આપ્યું હતું.

અમદાવાદના એક રિક્ષા ચાલકની રિક્ષામાં એરપોર્ટથી બાપુનગર માટે એક મુસાફર બેઠા હતા, ત્યાં ઉતાવળમાં રીક્ષામાં જ મુસાફરે ૨ લાખ ભરેલું પર્સ અને અગત્યના ડોક્યુમેન્ટ ભૂલાઈ ગયા હતા. પરંતુ રિક્ષા ચાલકની ઈમાનદારીને દાદ આપવી પડે તેમ છે, તેવી રીતે મુસાફરને શોધીને તેના ૨ લાખ રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ પરત આપ્યા હતા. જેથી મુસાફરે રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે આજે અમદાવાદના રિક્ષા ચાલક ચંદ્રેશભાઈ દવે શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે, ત્યારે એરપોર્ટથી બાપુનગર જવા માટે મહુવાના એક વ્યક્તિએ ચંદ્રેશભાઈની રિક્ષા કરી હતી. ત્યારબાદ બાપુનગરમાં જે તે સ્થળે મુસાફરને ઉતારવામાં આવ્યા હતા. પરંતુ ઉતાવળમાં મહુવાના આ મુસાફર એક પર્સ ભૂલી ગયા હતા. બેગમાં બે લાખ રૂપિયા રોકડ અને અગત્યના ડોક્યુમેન્ટ હતા.

થોડે આગળ જતા પાછળની સીટમાં ચંદ્રેશભાઈએ બેગ પડી હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી તેમને બેગ તપાસી હતી. તેમાં બે લાખ રૂપિયા અને ડોક્યૂમેન્ટ હતા. ત્યારબાદ જેમ તેમ કરીને રિક્ષા ચાલક ચંદ્રેશભાઈએ તેમાંથી નંબર શોધ્યો અને બેગના માલિકનો સંપર્ક સાધ્યો હતો. રિક્ષા યુનિયન ખાતે બેગ ભૂલી જનારા વ્યક્તિને બોલાવ્યા હતા અને તેમનો કિંમતી સામાન પરત કર્યો હતો.

આજના કળિયુગી જમાનામાં કોઈ સામાન્ય વસ્તુ પાછી આપતી નથી, ત્યારે મહુવાના નિવાસી આ વ્યક્તિએ રિક્ષા ચાલકની ઈમાનદારી પર વારી ગયા હતા. તેમણે રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts