રુપાણી સરકારે નુકસાનની સહાય પેટે કેન્દ્ર પાસે ૯૬૩૬ કરોડ માંગ્યા
ગુજરાતમાં તાજેતરમાં તા.૧૭મી મે ના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તૌકેતથી ઊભી થયેલી પરિસ્થિતિ અને નુકસાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ એનડીઆરએફ અંતર્ગત કુલ રૂ. ૯૮૩૬ કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકસાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજૂઆતો કરી છે. વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકસાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તૌકેત વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નુકસાન સામે ભારત સરકાર પાસે એનડીઆરએફના ધોરણે રૂ. ૯૮૩૬ કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરી છે.
ગુજરાત સરકારે આ સંદર્ભમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં આ તૌકેત વાવાઝોડું વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું. એટલું જ નહિ, ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડાની તીવ્રતા એટલી હતી કે, વાવાઝોડાના પાછળના ભાગે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકસાન પહોચાડયું છે.
કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરેલા આ મેમોરેન્ડમમાં જુદા-જુદા સેક્ટરમાં જે નુકસાન થયું છે તેની પણ વિસ્તૃત વિગતો આ અહેવાલમાં રજૂ કરવામાં આવી છે તે અનુસાર, કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકસાન મળીને કુલ ૯૮૩૬ કરોડ રૂપિયાની આ નુકસાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાના અંદાજાે કેન્દ્ર સમક્ષના આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે.
Recent Comments