રેલવે સ્ટેશન પર સ્ટેશનના નામની સાથે હવે ખાનગી કંપનીઓના નામ પણ લખાશે
રેલવે સ્ટેશન પર સ્ટેશનના નામની સાથે હવે ખાનગી કંપનીઓના નામ પણ લખાશે. આ સાથે રેલવે સ્ટેશનની અંદરના થાંભલા અને જંક્શનના બોર્ડ સાથે પણ આ નામ રાખવાનો ર્નિણય કરાયો છે. રેલવે ભાડા સિવાયની આવક ઊભી કરવા નવી પોલિસી લાવી રહ્યું છે. નોન ફેર રેવન્યુ સ્કીમ તરીકે જાહેર કરાયેલી આ સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ સરકારી કે ખાનગી નામાંકિત કંપનીઓના નામ લખવાની મંજૂરી અપાશે. રેલવે દ્વારા આ અંગે ઓપન ટેન્ડર દ્વારા ભાવ મગાવાશે.
આ સ્કીમથી રેલવેને આવક થશે અને કંપનીઓને બ્રાન્ડિંગનો મોકો મળશે. રેલવે દ્વારા જે સ્ટેશનો પર ઓછી ટ્રેન આવતી હોય તેવાં સ્ટેશનોને ભાડે આપવાની અને સ્ટેશનના પ્લેટફોર્મ પર નાગરિકોના સામાજિક પ્રસંગો યોજવા મંજૂરી આપવી અને તેના દ્વારા આવક ઊભી કરવાની યોજના અમલમાં મૂકી હતી, પરંતુ વડોદરા ડિવિઝનમાં એક પણ પ્લેટફોર્મ કે સ્ટેશન માટે અરજી આવી નથી. રેલવે દ્વારા ભાડા સિવાયની આવક ઊભી કરવા સ્ટેશનના નામની સાથે પ્રતિષ્ઠિત કંપનીઓના નામ લખવાની મંજૂરીનો કોન્સેપ્ટ માત્ર જાહેરાતનો હેતુ છે. રેલવે સ્ટેશનોના નામ બદલાય નહીં તેમજ મુસાફરોને તકલીફ પણ પડે નહીં. હજુ ટેન્ડર અંગે સ્પષ્ટતા અને ભાવ તેમજ તારીખો આવવાની બાકી છે.
Recent Comments