ગુજરાત

રોમ ખાતે વર્લ્ડ ટીટી માસ્ટર્સમાં અમદાવાદની પ્રસુન્નાએ ત્રણ મેડલ જીત્યાં

ઇટાલીના રોમ ખાતે તાજેતરમાં યોજાયેલી આઇટીટીએફ વર્લ્ડ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં અમદાવાદની પ્રસુન્ના પારેખે રાષ્ટ્રનું ગૌરવ વધારતા ત્રણ મેડલ જીત્યાં હતાં. ૪૮ વર્ષીય પ્રસુન્નાએ તેના ડબલ્સના જોડીદાર મીનુ બાસક સાથે મળીને ૪૫ વિમેન્સ ડબલ્સમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું. તેમણે ફાઇનલમાં યુક્રેઇનની નાતાલિયા ઓટ્રાવસ્કા અને હાલ્યાના તેલાનાની જોડી સામે ૩-૧ (૫-૧૧, ૧૧-૭, ૧૧-૫, ૧૧-૩)થી વિજય હાંસલ કર્યો હતો. સેમિફાઇનલમાં ભારતીય જોડીએ જર્મનીની સિલ્વીયા મેસર અને સાબિન નેલ્ડનેરની જોડીને ૩-૧ (૧૧-૭, ૧૧-૫, ૮-૧૧, ૧૧-૬)થી હરાવી હતી.

વિમેન્સ સિંગલ્સ ૪૫ કેટેગરીમાં ઇન્ડિયન પોસ્ટની કર્મચારીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અહીં સેમિફાઇનલમાં પ્રસુન્નાનો ડેનમાર્કની જાન્ને જેનસેન સામે ૨-૩ (૧૧-૬, ૯-૧૧, ૧૧-૯, ૫-૧૧, ૮-૧૧)થી પરાજય થયો હતો.ગુજરાત ટેબલ ટેનિસની ભૂતપૂર્વ મોખરાના ક્રમની ખેલાડીએ ૪૫ મિક્સ ડબલ્સમાં કે. શ્રીવત્સા સાથે જોડી બનાવી હતી અને ત્યાં પણ આ જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ડેનમાર્કના જ હેનરિક વેન્ડેલ્બો અને જાન્ને જેનસેનની જોડી સામેની સેમિફાઇનલમાં ભારતીય જોડી ૦-૩ (૬-૧૧, ૭-૧૧, ૧૦-૧૨)થી હારી ગઈ હતી.

વિમેન્સ સિંગલ્સ ૩૯ કેટેગરીમાં હાલમાં ભારતની મોખરાના ક્રમની પ્રસુન્નાએ અગાઉ કતારના દોહા ખાતે ૨૦૨૩માં યોજાયેલી વર્લ્ડ વેટરન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બે સિલ્વર મેડલ (વિમેન્સ સિંગલ્સ અને ડબલ્સ) જીત્યાં હતાં.આ સફળતા બાદ પ્રસુન્નાએ જણાવ્યું હતું કે “આ મેડલ અમારી આકરી મહેનતનું પરિણામ છે. આ ઇવેન્ટ અગાઉ મારા કોચ સાથે મળીને મેં આકરી મહેનત કરી હતી. સિંગલ્સની સેમિફાઇનલમાં હું દબાણને વશ થઈ ગઈ હતી પરંતુ આમ છતાં હું ખુશ છું કેમ કે મેં આ પ્રકારનો સારો દેખાવ કર્યો છે.”

Follow Me:

Related Posts