લમ્પી સ્કીન રોગચાળાને પહોંચી વળવા માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી
હાલમાં લમ્પી રોગચાળાએ પશુઓના જીવ જોખમમાં મૂક્યા છે, તેથી પશુપાલકોને તેના પશુધનને બચાવવા માટે યોગ્ય પગલાંઓ લેવા માટે જાગૃત્તિ આવી છે. લમ્પી સ્કીન ડીસીઝથી પશુધનને બચાવવા અને તેના સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે.
લમ્પી સ્કીન ડીસીઝને પશુઓમાં સંક્રમિત થતો અટકાવવા માટે અમરેલી જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા જિલ્લાભરમાં રસીકરણની કામગીરી ઝડપી રીતે કરવામાં આવી રહી છે. જિલ્લાના હાલ કુલ ૧૧ તાલુકામાં આજ દિન સુધી ૩૮ ગામો અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૬૯૦ પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે જે પૈકી ૩૧ પશુઓનું મૃત્યું નિપજ્યું છે. બાકીના અસરગ્રસ્ત પશુ સારવાર હેઠળ છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ ૪૦ ટીમો અને તમામ તાલુકા પશુચિકિત્સા અધિકારી અને GVK-૧૯૬૨ના પશુચિકિત્સકો દ્વારા યોગ્ય સારવાર તેમજ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લાના ગાય વર્ગના કુલ પશુધન પૈકી આજ દિન સુધીમાં ૧,૧૩,૬૭૮ ગાય વર્ગનાં પશુઓમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં સઘન રસીકરણની કામગીરી માટે પ્રાથમિકતા આપવામાં આવી છે, તેમ અમરેલી જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રીની એક યાદીમાં જણાવાવામાં આવ્યું છે.
Recent Comments