અમદાવાદના દક્ષિણ ઝોનમાં પાયાની સુવિધાઓને લઈને નારોલ સબઝોનલ ઓફિસ પર સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. દક્ષિણ ઝોનમાં રહેતા રહીશો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે સબઝોનલ ઓફિસ પહોંચ્યા હતાં. અહીંના લોકોમાં પાણી, રોડ, ડ્રેનેજ લાઈનની સુવિધાઓ નહીં મળતાં ભારે રોષ ફેલાયો છે. અહીંના લોકોએ સ્થાનિક કોર્પોરેટર કાળુભાઈ ભરવાડની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ સબઝોનલ ઓફિસમાં સુત્રોચ્ચાર સાથે ઘેરાવ કર્યો હતો.
સ્થાનિક પ્રશ્નોને ઈજનેર ખાતા દ્વારા ન્યાય ન આપવામાં આવતા નારોલ ગામની ઓફિસ ખાતે સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ૭ દિવસમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ જાે નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આંદોલન કરશે.
લાંભા વિસ્તાર આમ પણ વિવિધ સમસ્યાઓને લઈને વગોવાયેલો છે ત્યારે નારોલ સર્કલથી અસલાલી સર્કલની વચ્ચે આવેલી કેટલીક સોસાયટીઓના રહિશો ડ્રેનેજ લાઈનની સમસ્યાને લઈને પરેશાન છે. આ રોડ પર આવેલી ટીપી ૭૯માં ડ્રેનેજ એપ્રુવ્ડ હોવા છતાં ડ્રેનેજ લાઈન નંખાઈ ન હોવાથી આસપાસની ૫ જેટલી સોસાયટીઓનું પાણી ખૂલ્લામાં વહી જાય છે. જેથી અહીં ગંદા પાણીનું તળાવ ભરાયું છે. સ્થાનિકો હેરાન થઈ ગયા છે. લાંભાની આ સમસ્યાને લઈને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.
Recent Comments